Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ભારતીય સંસ્થાઓ ઉપર મોટું જોખમ છે

જે સિદ્ધાંતો પર બંધારણ બન્યું તેને જ ફેંકી દેવાયા હોવાનું કહેતા માજી ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી

નવી દિલ્હી, તા. ૧૮ : ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું છે કે, દેશની સંસ્થાઓ ખતરામાં છે. તેમણે એવો પણ દાવો કર્યો કે  જે સિદ્ધાંતો પર બંધારણની પ્રસ્તાવના ભૂમિકા તૈયાર કરાઇ હતી તેમને હવે ફેંકી દેવામાં આવ્યા છે.

મંગળવારે એક કાર્યક્રમ દરમ્યાન તેમણે કહયું, 'દેશમાં એક બહુ ખતરનાક પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં ઘણા કુતર્ક સામેલ છે. મોટાભાગના નાગરિકો માટે તેને સમજવું સહેલુ નથી.' તેમણે એમ પણ કહ્યું કે લોકો બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને આ અંગે પગલા લેવા જરૂરી છે કેમ કે જો આમને આમ ચાલુ રહેશે તો જાગ્યા પછી બહુ મોડું થઇ ગયું હશે. તેમના કહેવા અનુસાર, 'આપણે બહુ ખરાબ સમયગાળામાં જીવી છીએ. હું આ બધી ચીજોના ઉંડાણમાં નથી જવા માંગતો પણ ખરેખર સાચું તો એ છે કે ભારતીય ગણરાજયની સંસ્થાઓ મોટા ખતરામાં છે.'

અંસારીએ આ વાતો ભાલચંદ્ર મુંગેકરના પુસ્તક 'માય એન્કાઉન્ટર્સ ઇન પાર્લામેન્ટ'ના વિમોચન વખતે કહી હતી. આ કાર્યક્રમમાં એનસીપી ચીફ શરદ પવાર, સીપીઆઇના મહામંત્રી ડી રાજા અને સીપીઆઇ (એમ)ના મહામંત્રી સીતારામ યેચુરી પણ ઉપસ્થિત હતાં.

માજી ઉપરાષ્ટ્રપતિની આ ટીપ્પણી એવા સમયે આવી છે જયારે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાળી ભાજપા સરકારની ભૂતપૂર્વ સીજેઆઇ રંજન ગોગોઇને રાજયસભામાં નોમીનેટ કરવા માટે ભરપૂર ટીકા થઇ રહી છે.

સોમવારે રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે દેશના ૪૬માં સીજેઆઇ થયેલા ગોગોઇને રાજયસભા માટે નોમીનેટ કર્યા હતા. જસ્ટીસ ગોગોઇ એ જ છે જેમણે અયોધ્યાના રામ મંદિરનો ચૂકાદો આપ્યો હતો. ગોગોઇન રાજયસભામાં મોકલવા બાબતે એક તરફ વિપક્ષો અને મોદી-ભાજપા વિરોધીઓ તેમના પર કટાક્ષ કરી રહ્યા છે ત્યારે ગઇકાલે ભૂતપૂર્વ સીજેઆઇએ કહ્યું હતું કે તે શપથ લીધા પછી મીડીયાને વિસ્તારપૂર્વક જણાવીશ કે આ ઓફર તેમણે શા માટે સ્વીકારી હતી.

(12:59 pm IST)