Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

શેરબજાર કડડભુસ : સેંસેક્સમાં વધુ ૧૭૧૦ પોઈન્ટ સુધી ઘટાડો

સેંસેક્સ ત્રણ વર્ષમાં પ્રથમ વખત ૨૯૦૦૦થી નીચે પહોંચી ગયો : કોરોના વાયરસને લઈને ભય તથા એજીઆર પર સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ શેરબજારમાં પ્રતિકુળ અસર : ઈન્ડસ બેંક શેરમાં ૨૪ ટકા સુધી ઘટાડો

મુંબઇ,તા. ૧૮ : શેરબજારમાં આજે પણ તીવ્ર વેચવાલી રહી હતી. શેરબજારમાં કોરોનાના હાહાકાર વચ્ચે શેરબજાર પત્તાના મહેલની જેમ ધરશાયી થઇ જતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. રોકાણકારોએ લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. દલાલ સ્ટ્રીટમાં અવિરત વેચવાલી જારી રહી હતી. ફાયનાન્સિયલ સેક્ટરમાં સૌથી વધારે ખરાબ હાલત રહી હતી. મુડીરોકાણકારોની ભાવનાને ભારે ફટકો પડી રહ્યો છે. આજે સેંસેક્સ ૧૭૧૦ પોઈન્ટ સુધી અથવા તો ૫.૬ ટકા ઘટીને ૨૮૮૬૮ની નીચે સપાટી રહ્યો હતો. શેરબજારમાં ત્રણ વર્ષના લાંબાગાળા બાદ આજે નીચે સપાટી જોવા મળી રહી છે. શેરબજારમાં આજે બુધવારના દિવસે પણ અંધાધુંધી રહેતા મોટાભાગના શેરોમાં મંદી રહી હતી. દેશભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસો અને ટેલિકોમ કંપનીઓ પર બાકી રકમને લઈને સુપ્રીમ કોર્ટના કઠોર વલણ બાદ તેની અસર જોવા મળી હતી.

               સેંસેક્સ ત્રણ વર્ષમાં પ્રથમ વખત ૨૯ હજારથી નીચે પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ૪૨૫ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૮૫૪૨ રહી હતી. દિવસભર દરમિયાન સેંસેક્સ ૩૧૧૦૧ની ઉંચી અને ૨૮૬૧૩ની નીચે સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટીમાં ૯૧૨૭ની ઉચી અને ૮૪૦૭ની નીચે સપાટીએ રહ્યો હતો. બીએસઈમાં ૨૮ કંપનીઓના શેરમાં વેચવાલી રહી હતી. માત્ર બે શેરમાં તેજી રહી હતી. એનએસઈમાં કુલ ૪૪ કંપનીઓના શેરમાં અફડાતફડી રહી હતી. દેશમાં કોરોના વાયરસના લીધે કેસોની સંખ્યામાં ચિતાજનક વધારો થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારના દિવસે આજે થયેલી સુનાવણી દરમિયાન જોરદાર ફટકાર ટેલિકોમ કંપનીઓ અને દુરસંચાર વિભાગને લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોની મંજુરીથી ટેલિકોમ કંપનીઓ સેલ્ફ એસેસમેન્ટ કરી રહી છે. કોર્ટે આને લઈને કોર્ટની અવગણના કરી હતી. કોર્ટની આ ટિપ્પણી બાદ બેકિંગ તથા ટેલિકોમ કંપનીના શેરમાં મોટો ઘટાડો રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં પણ ઘટાડાનો દોર જારી રહ્યો છે. બીએસઈમાં આજે માત્ર બે શેરમાં તેજી રહી હતી જેમાં ઓએનજીસી અને આઈટીસીનો સમાવેશ થાય છે.

              ઓએનજીસીના શેરમાં સૌથી વધુ ૯.૮૩ ટકા તથા આઈટીસીના શેરમાં તેજી નોંધાઈ હતી. એનએસઈમાં ઝી લિમિટેડ શેરમાં સૌથી વધુ ૨૬.૨૨ ટકા, યશ બેંક ૪.૧૮ ટકા, આઈટીસીમાં ૧.૫૪ ટકા અને ટીસીએસના શેરમાં ૦.૪૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં હાલમાં કોઇ સ્થિતી નહીં સુધરે તેવી શક્યતા છે. વેચવાલી જારી રહી શકે છે. વિદેશી મુડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ભારતીય બજારમાંથી નેટ આધાર પર ૩૭૯૭૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. કોરોના વાયરસના કારણે વૈશ્વિક મંદી આવશે તેવા હેવાલ વચ્ચે વિદેશી મુડીરોકાણકારોએ જંગી નાણાં પાછા ખેંચી લીધા છે. બીજી માર્ચથી ૧૩મી માર્ચ વચ્ચેના ગાળામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ૨૪૭૭૬.૩૬ કરોડની રકમ પાછી ખેંચી લીધી છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૩૧૯૯.૫૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન કુલ પાછા ખેંચી લેવામાં આવેલા નાણાંનો આંકડો ૩૭૯૭૫.૯૦ કરોડનો રહ્યો છે.શેરબજારમાં ગઇકાલે મંગળવારના દિવસે  પણ તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૮૧૧ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ બંધ રહ્યો હતો. સેંસેક્સ ૩૦૫૭૯ની સપાટીએ રહ્યો હતો.

(7:41 pm IST)