Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

કોરોના વાયરસ બે વર્ષ સુધી તાંડવ મચાવશેઃ જર્મન વૈજ્ઞાનિકો

જર્મનીમાં ઝડપથી કોરોના ફેલાય રહ્યો છેઃ રીસ્ક લેવલ મોડરેટથી હાઈ પર લઈ જવાયુઃ દર પાંચમાંથી એક દર્દી ગંભીર હોવાનો ખુલાસોઃ જર્મનીમાં ૭૯૦૦ કેસ નોંધાયા છેઃ ૨૦ના મોત થયા છેઃ રસી કયારે શોધાશે અને કયારે અમલી બનશે એ હજુ નક્કી નથી

બર્લિન, તા. ૧૮ :. એક સિનીયર જર્મન ડીસીઝ કંટ્રોલ એકસપર્ટે એવી ચેતવ ણી આપી છે કે કોરોના વાયરસની મહાબિમારી બે વર્ષ સુધી ડાકલા વગાડશે. જો કે તેમણે એવુ પણ જણાવ્યુ છે કે આનો મુખ્ય આધાર કોરોનાને નાથવા માટેની રસી કયારે બને છે ? તેના પર આધારીત છે.

રોબર્ટ કોચ ઈન્સ્ટીટયુટના ડો. લોથારે જણાવ્યુ છે કે, વિશ્વની વસ્તીના ૬૦ ટકાથી ૭૦ ટકા લોકોને કોરોના વાયરસ ડંખ લગાવે, તેઓ રીકવર થાય અને તેઓ ઈમ્યુનીટી હાંસલ કરે તેવી શકયતા છે પરંતુ એ કહેવુ અશકય છે કે આ બધુ કેટલી ઝડપે બનશે ?

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે અમારી ધારણા છે કે બધુ ઠીકઠાક થતા બે વર્ષ લાગી જશે. જો કે તેમણે ઉમેર્યુ હતુ કે આ સમય એ બાબત પર આધારીત છે કે તેને નાથવા માટેની રસી કયારે વિકસાવવામાં આવે છે અને તેનો કયારે અમલ થાય છે ? તેમણે પત્રકારોને એમ પણ કહ્યુ હતુ કે, છેલ્લે મોતનો આંકડો કયાં સુધી પહોંચશે તે કહેવુ વહેલુ ગણાશે અથવા તો અમે કશું જાણતા નથી.

તેમણે કહ્યુ હતુ કે અમે જર્મનીના રીસ્કનું લેવલ મોડરેટથી હાઈ ગણીએ છીએ. તેમણે એમ પણ કહ્યુ હતુ કે દરેક હોસ્પીટલોએ ઈન્ટેન્સીવ કેરની કેપેસીટી ડબલ કરવી જોઈએ કારણ કે દર પાંચમાંથી એક ગંભીર હોય છે.

તેમણે કહ્યુ હતુ કે વાયરસ વધુ ઝડપથી ફેલાય રહ્યો છે. જર્મનીમાં ૭૯૦૦ કેસ નોંધાયા છે અને ૨૦ના મોત થયા છે.

આર.કે.આઈ. વિજ્ઞાનિકો અને હિલીયોસ કલીનીકના ગ્રુપ દ્વારા નવા સંશોધનમાં જણાવાયુ છે કે, નોવલ કોરોના વાયરસ ૬૦ વર્ષથી નીચેના લોકોને વધુ ગંભીર રીતે અસર કરી શકે છે.

(11:37 am IST)