Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વડાપ્રધાનના જન્મ દિવસે વેકસીનેશનનો મહારેકોર્ડ

સેવા અને સમર્પણ દિવસ નિમિત્તે ભાજપે દેશભરમાં યોજેલા રસીકરણ કાર્યક્રમને જબ્બર સફળતાઃ પ્રથમ ૬ કલાકમાં જ એક કરોડ લોકોને રસી અપાઈઃ રેકોર્ડ સર્જાયો : સાંજ સુધીમાં બે કરોડથી વધુ લોકોને રસી અપાય તેવી શકયતાઃ દેશના ખૂણે-ખૂણે ચાલી રહ્યુ છે રસીકરણ

નવી દિલ્હી, તા. ૧૭ :. વડાપ્રધાન મોદીનો આજે જન્મ દિવસ છે. તે પ્રસંગે ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહેલા સેવાથી સમર્પણ અભિયાન દરમિયાન આજે બપોર સુધીમાં વેકસીનેશન મામલે મહારેકોર્ડ સર્જાયો છે. ભાજપ દ્વારા દેશભરમાં મેગા રસીકરણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે અને પ્રથમ ૬ કલાકમાં જ એક કરોડથી વધુ લોકોને વેકસીન આપવામાં આવી છે અને મહારેકોર્ડ સર્જાયો છે.

બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં દેશમાં એક કરોડથી વધુ લોકોને વેકસીન લગાવવામાં આવી છે. આજે એક લાખથી વધુ સ્થળોએ રસીકરણ ચાલુ છે. સાંજ સુધીમાં આ આંકડો બે કરોડ સુધી પહોંચી શકે છે.

ભાજપે એક કરોડ રસીકરણનું લક્ષ્યાંક રાખ્યુ હતુ પરંતુ તે દોઢ વાગ્યે જ પુરૂ થઈ ગયુ છે. દેશના વિવિધ ભાગોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા બુથ લેવલ પર રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.  ભાજપ આજે મોદીના જન્મ દિવસને સેવા અને સમર્પણ દિવસ તરીકે મનાવે છે. આજનો જન્મ દિવસ એટલા માટે પણ ખાસ છે કે આ વર્ષે તેઓ કોઈ પદ પર ૨૦ વર્ષ પુરા કરશે. ૭ ઓકટોબર ૨૦૦૧ના રોજ તેઓ ગુજરાતના સીએમ બન્યા હતા. ત્યારથી અત્યાર સુધીમાં મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન બન્યા છે.

દેશની જનતાએ આજે ઉત્સાહભેર વેકસીનેશન કાર્યક્રમમાં ભાગ લઇ વડાપ્રધાન મોદીને અનોખી રીતે શૂભેચ્છા પાઠવી હતી. સવારથી જ દેશના અનેક બુથ પર વેકસીનેશન માટે લોકો ઉમટી પડ્યા હતા. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એવો વિશ્વાસ વ્યકત કર્યો છે કે, આજે આપણે વેકસીનશેનનો એક નવો કિર્તીમાન બનાવીને વડાપ્રધાનને એક ઉપહાર સ્વરૂપ પ્રદાન કરીશુ.

(3:01 pm IST)