Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

નંબર પ્લેટ વગરનું એકિટવા ચલાવતા પોલીસે ફટકાર્યો ૧ લાખ રૂપિયાનો દંડ!

ભુવનેશ્વર,તા.૧૭: નવા મોટર વ્હીકલ એકટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ મોટી રકમના દંડના અહેવાલો સામે આવતા રહે છે. આવી જ એક દ્યટના ઓડિશા (Odisha)માં ભુવનેશ્વરની પાસે બની છે. અહીં કટક ટ્રાન્સપોર્ટ ઓફિસે નવા એકિટવા (Activa)ને રજિસ્ટ્રેશન વગર ચલાવવાના કારણે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એકિટવાની વિરુદ્ઘ ચાલાનની આ કાર્યવાહી કટકના બારંગમાં વાહન ચેકિંગ દરમિયાન થઈ. આ ઘટના ૧૨ સપ્ટેમ્બરની છે. બારંગમાં વાહનોનું પોલીસ ચેકિંગ થઈ રહ્યું હતું. ત્યારે તેઓએ એક નવું એકિટવા રોકયું. તેને અરુણ પાંડા નામની વ્યકિત ચલાવી રહી હતી. ટૂ-વ્હીલર નવું હતું, તેથી તેની પર નંબર પ્લેટ નહોતી. આ કારણે તેની પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

રિપોર્ટ મુજબ, આ એકિટવા ૨૮ ઓગસ્ટે ભુવનેશ્વરમાં એક શો રૂમમાંથી ખરીદવામાં આવ્યું હતું. ૧૨ સપ્ટેમ્બરે ચેકિંગ દરમિયાન તેને પકડવામાં આવ્યો. આ ટૂ-વ્હીલર કવિતા પાંડાના નામે ખરીદવામાં આવ્યું છે, પરંતુ તેનો નંબર હજુ સુધી નહોતો આવ્યો. ટ્રાફિક પોલીસે આ મામલામાં ડીલર/મેન્યુફેકચરર/ઇમ્પોર્ટરના સ્તરે થયેલી ચૂક માટે ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

બીજી તરફ, આ મામલામાં ટૂ-વ્હીલરની માલિક કવિતાનું કહેવું છે કે જે શો-રૂમથી તેને ખરીદ્યું, તેણે તેમને હજુ સુધી રજિસ્ટ્રેશન નંબર જ નથી આપ્યો. ત્યારબાદ આરટીઓ તરફથી શો-રૂમ ઓથોરિટીને પણ નોટિસ મોકલવામાં આવી છે. કવિતાનું કહેવું છે કે ચેકિંગ દરમિયાન જ જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન મારા નામે નથી. ત્યારબાદ ૧ લાખ રુપિયાનો દંડ ફટકારી દીધો.

કવિતાનું કહેવું છે કે આ મામલામાં અમારી કોઈ ભૂલ નથી. RTO તેના માટે ડીલર પર કાર્યવાહી કરવી જોઈએ. અમે આ મામલામાં પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો છે. નવા નિયમો મુજબ, રજિસ્ટ્રેશન વગરના વાહન ચલાવવા પર દંડ ફટકારવામાં આવે છે.

(3:57 pm IST)