Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

પેટ્રોલના ભાવ ૮૦ રૂપિયા થવાની શકયતા

ક્રુડના ભાવમાં ભડકો, ૭ર ડોલર પ્રતિ બેરલ : ક્રુડના ભાવમાં ૧ દિવસમાં ર૦ ટકાનો ઉછાળો

નવી દિલ્હી તા. ૧૭ :.. સાઉદી અરેબીયાની સૌથી મોટી રિફાઇનરી અરામકો પર ડ્રોન હુમલા પછી સોમવારે ક્રુડ ઓઇલ ૧૯.પ ટકા ઉછળીને ૭૧.૯પ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. ઉર્જા વિશેષજ્ઞોનું કહેવું છે કે સાઉદી કંપની પરના હુમલાની અસર આગામી દિવસોમાં જોવા મળશે. ક્રુડના ભાવ રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી શકે છે. તેના કારણે ભારતીય બજારમાં પણ પેટ્રોલ ૮૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ વધી શકે છે.

એન્જલ બ્રોકીંગના વાઇસ પ્રેસીડન્ટ અનુજ ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે જો અરામકોમાં ઉત્પાદન વધારે દિવસો સુધી ઠપ રહ્યું તો આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો એકવાર ફરીથી વધશે. જો ક્રુડ ૮૦ ડોલર, પ્રતિ બેરલની બહાર નીકળશે તો ભારતીય બજારમાં પણ પેટ્રોલ ૮૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. જો કે સ્થિતિ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

ભારતના સપ્લાયમાં અસર નહીં થાય -ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે કહયું કે સાઉદી અરબની ઓઇલ રીફાઇનેરી પર થયેલા હુમલાઓ પછી ભારતને ક્રુડના સપ્લાયમાં વાંધો નહી આવે. ભારતીય રાજદૂત ઓઇલના સપ્લાય માટે અરામકોના સંપર્કમાં છે.

ટ્રમ્પે રિઝર્વ પેટ્રોલ વાપરવાની મંજૂરી આપી

વોશીંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે અરામકો પરના ડ્રોન હુમલા પછી સ્ટ્રેટેજીક પેટ્રોલિયમ રિઝર્વમાંથી ઓઇલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. સાઉદી અરબ પર હૂમલાના કારણે ક્રુડની કિંમતોને અસર થઇ શકે છે. તેથી મેં સ્ટ્રેટેજીક પેટ્રોલીયમ રિઝર્વમાંથી વપરાશની મંજૂરી આપી દીધી છે જેથી જરૂર પડયે બજારમાં તેને યોગ્ય રીતે સપ્લાય કરી શકાય તેવું ટ્રમ્પે જણાવ્યું હતું.

(11:57 am IST)