Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા તહેવારોમાં અપાતા ભારે ડિસ્કાઉન્ટ ઉપર પ્રતિબંધ લાવવા કન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સની સરકારને રજૂઆત

નવી દિલ્હી: ઓનલાઇન ઇ-કોમર્સ વેબસાઇટ પર દિવાળી સેલની રાહ જોઇ રહેલા લોકોને આંચકો લાગી શકે છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ સરકારને પત્ર લખીને ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા તહેવારની સીઝનમાં ભારે ડિસ્કાઉન્ટ આપવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. ટ્રેડર્સની આ પ્રતિક્રિયા ફ્લિપકાર્ટ દ્વારા 'ધ બિગ બિલિયન ડેઝ' સેલની તારીખોની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ આવી છે.

ટ્રેડર્સે ફ્લિપકાર્ટ ઉપરાંત તેની પ્રતિદ્વંદ્વી કંપની અમેઝોન અને આ પ્રકારની અન્ય ઇ-કોમર્સ કંપનીઓની તહેવારની સિઝનમાં સેલ પર નિયંત્રણ લગાવવાની માંગ કરી છે. તાજેતરમાં જ ફ્લિપકાર્ટે જાહેરાત કરી હતી કે દિવાળી અને દશેરા પહેલાં તેનો દર વર્ષે થનાર છ દિવસીય સેલ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. જોકે અમેઝોન દ્વારા હજુ સેલની તારીખની જાહેરાત બાકી છે.

મળી શકે છે બંપર છૂટ

તહેવારોના આ દિવસોમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ ગ્રાહકોને આકર્ષવા માટે ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. કારણ કે ભારતીય તહેવાર સીઝન દરમિયાન મોટાપાયે ખરીદી કરે છે. સીએઆઇટીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલને લખેલા એક પત્રમાં કહ્યું કે ''આ કંપનીઓ પોતાના ઇ-કોમર્સ પોર્ટલ્સ પર 10થી માંડીને 80 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરીને કિંમતોને પ્રભાવિત કરી રહી છે. કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવી રહી છે કે અસમાનતા નીતિઓનું ઉલ્લંઘન છે.''

સીએઆઇટીએ કહ્યું કે તહેવારની સિઝન દરમિયાન વિભિન્ન ઇ-કોમર્સ પ્લેટફોર્મો દ્વારા આપનાર મોટું ડિસ્કાઉન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ના નિયમોના વિરૂદ્ધ છે. એફડીઆઇ નીતિ અનુસાર ઇ-કોમર્સ કંપનીઓ પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે વસ્તુઓ અને સેવાઓના વેચાણ મૂલ્યને પ્રભાવિત નહી કરે અને મૂલ્ય સ્તર જાળવી રાખશે.

(12:00 am IST)