Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

તાલિબાનના હુમલામાં ૧૫ સુરક્ષા કર્મીઓના મોત થયા

જવાબી કાર્યવાહીમાં ૨૨થી વધુ ત્રાસવાદીઓ ઠાર : અફઘાનિસ્તાનમાં તાલિબાની ત્રાસવાદીઓ પોલીસ અને સુરક્ષા જવાનોના સ્થળો ઉપર હુમલા કરી દહેશત ફેલાવી

કાબુલ, તા. ૧૭ : તાલિબાની ત્રાસવાદીઓ દ્વારા આજે અફઘાન પોલીસ અને સુરક્ષા સ્થળોને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા ૧૫ના મોત થઇ ચુક્યા છે. બીજી બાજુ પોલીસ અડ્ડા પર તાલિબાનના હુમલામાં મોટી સંખ્યામાં પોલીસના મોત થયા બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ૨૨ ત્રાસવાદીઓ પણ માર્યા ગયા છે. બાદગીસ ગામના પાટનગર કલા-એ-નૌની નજીક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ કમાન્ડર અબ્દુલ હકીમ સહિત પાંચના મોત થયા હતા. પ્રાંતિય ગવર્નરના કહેવા મુજબ બંને તરફથી કરાયેલી કાર્યવાહીમાં ૨૨ ત્રાસવાદીઓ પણ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓ તાલિબાની હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ તાલિબાન ત્રાસવાદીઓ દ્વારા સંયુક્ત સેના અને પોલીસ ટુકડી પર હુમલો કરી દીધો હતો જેમાં મોટી ખુવારી થઇ છે. આ હુમલામાં સુરક્ષા દળના ૧૫ જવાનોના મોત થયા છે. તાલિબાનના મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. તાલિબાની ત્રાસવાદીઓએ સુરક્ષા દળોના સ્થળ ઉપર ત્રાટકીને હથિયારોના જથ્થાને નષ્ટ કરી દીધો છે. હથિયારોને નષ્ટ કરતા પહેલા સુરક્ષા દળોને વધારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં રક્તપાતનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. અગાઉ પણ આ પ્રકારના હુમલાઓ થતાં રહ્યા છે. અફઘાનિસ્તાનના પુનઃનિર્માણના પ્રયાસમાં ભારત સહિતના દેશો લાગેલા છે અને અમેરિકા સહિતના દેશોના જવાનો શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસમાં લાગેલા છે. આવી સ્થિતિમાં તાલિબાની ત્રાસવાદીઓ અને અન્ય આતંકવાદી સંગઠનો સતત હુમલાઓ કરતા રહ્યા છે અને પુનઃ નિર્માણના પ્રયાસો આડે અડચણો ઉભી કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં રક્તપાતનો દોર યથાવતરીતે જારી રહેતા સરકાર પણ ચિંતાતુર બનેલી છે.

(7:23 pm IST)