Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

દિલ્‍હી - મુંબઇમાં ૩૦% રાજમાર્ગો સલામત નથી

ચોંકાવનારો રિપોર્ટ : કાર - બસ - ટ્રક માટે સુરક્ષિત નથી

નવી દિલ્‍હી તા. ૧૭ : જો તમે દિલ્‍હી કે મુંબઇના નેશનલ હાઇવે પર સફર કરો છો તો સાવધાન થઇ જાઓ. એક સર્વેમાં એ વાતનો ખુલાસો થયો છે કે દિલ્‍હી-મુંબઇના અંદાજે ૩૦ ટકા નેશનલ હાઇવે કાર, બસ, અને ટ્રક માટે સુરક્ષિત નથી. આ સર્વે વર્લ્‍ડ બેન્‍ક અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (એનએચએઆઇ) સહિત કેટલીય એજન્‍સીઓએ કરાવ્‍યો છે. તેમાં મુંબઇ-ચેન્નાઇ ગોલ્‍ડન ક્‍વૈડ્રિકલેટરલનો અડધાથી વધુ ભાગ સુરક્ષિત નથી. સ્‍ટડીમાં અકસ્‍માતોની સંભાવનાઓ અને ગંભીરતાને મુખ્‍ય બનાવ્‍યા હતા. તેમાં જાણવા મળ્‍યું કે એનએચનો આ ભાગ બાઇક સવારો, પગપાળા જનારા અને સાઇકલ ચલાવનારા માટે પણ સુરક્ષિત નથી કારણ કે આ લોકો માટે આ માર્ગો પર કોઇ સુવિધા નથી.

આ અંગે એક મીડિયા રિપોર્ટમાં આવ્‍યું છે કે વર્લ્‍ડ બેન્‍કના ગ્‍લોબલ રોડ સેફટી, ઇન્‍ટરનેશનલ રોડ અસેસમેન્‍ટ પ્રોગ્રામ, અને એનએચએઆઇ એ બે એનએચ કોરિડોરને સેફટી અસેસમેન્‍ટ અને સ્‍ટાર રેટિંગ કર્યું છે. આ બંને કોરિડોરને દુનિયાભરના ક્રેશ સ્‍ટડીઝના આધાર પર એક થી પાંચ સ્‍ટાર રેટિંગ આપવામાં આવ્‍યા છે. રિપોર્ટમાં કહ્યું છે કે ૫૪૩૧ કિલોમીટર લાંબા આ બંને કોરિડોરના માત્ર ૪૦ કિલોમીટર ભાગને ૫ સ્‍ટાર રેટિંગ મળ્‍યું છે. ૨૪૫ કિલોમીટર ભાગને ૪ સ્‍ટાર રેટિંગ મળ્‍યું છે. બંને નેશનલ હાઇવેના નેટવર્ક પર અંદાજે ૫૫ ટકા ભાગને ૩ સ્‍ટાર રેટિંગ આપ્‍યું છે તેનો મતલબ છે કે કેટલીક હદ સુધી આ માર્ગ સુરક્ષિત છે. બંને કોરિડોરના બાકીના ૩૯ ટકા હિસ્‍સાને ૧ કે ૨ સ્‍ટાર રેટિંગ મળ્‍યા છે તેનો મતલબ એ છે કે તે રસ્‍તા યાત્રીઓ માટે સંપૂર્ણ પણે અસુરક્ષિત છે.

સ્‍ટડીના મતે ગોલ્‍ડન ક્‍વૈડ્રિલેટરલના દિલ્‍હી-મુંબઇ નેટવર્કના અંદાજે ૮૨૪ કિલોમીટર ભાગને એ સ્‍થિતિમાં ૧ કે ૨ સ્‍ટાર રેટિંગ આપ્‍યા છે જયાર સ્‍પીડની વધુ મર્યાદા ૮૦ કિલોમીટર પ્રતિ કલાક હોય. જો વધુમાં વધુ સ્‍પીડ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક હોય તો ૨૭૯૫ કિલોમીટર લંબાઇવાળા આ નેટવર્કને કમોબેશ ૧૫૧૭ કિલોમીટર એટલે કે ૫૪ ટકા હિસ્‍સો અસુરક્ષિત શ્રેણીમાં આવી જશે.

ઉલ્લેખનીય છે કે માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે ગયા વર્ષે એપ્રિલમાં વધુમાં વધુ સ્‍પીડ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરી હતી.

રસ્‍તાને લઇ આઇરેપની ભલામણ છે કે કમ સે કમ કેન્‍દ્ર અને રાજય સરકારો પણ તમામ રસ્‍તાની સ્‍થિતિમાં સુધારો લાવી તેને ૩ સ્‍ટાર રેટિંગ લાયક બનાવી શકે છે. તેમનું કહેવું છે કે આમ તો ઓછા ખર્ચમાં પણ હાઇવેને ૫ સ્‍ટાર રેટિંગની સાથે યોગ્‍ય બનાવાય શકે છે પરંતુ યથાર્થવાદી પગલું હશે કે ઓછામાં ઓછા ૩ સ્‍ટાર રેટિંગ લાયર રસ્‍તાને બનાવામાં આવે.

 

(12:47 pm IST)