Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઇન્‍દીરા ગાંધીઓ બે ભૂલ કરી' તીઃ એક તો કટોકટીને બીજી ઓપરેશન બ્‍લુસ્‍ટાર

નટવરસિંહનો દાવો

નવીદિલ્‍હી, તા.૧૭: કોંગ્રેસના પીઢ નેતા કે. નટવર સિંહે જણાવ્‍યું હતું કે ઈન્‍દિરા ગાંધી ઘણાં જ શક્‍તિશાળી અને મહાન વડાં પ્રધાન હતાં, પરંતુ તેમણે બે ગંભીર ભૂલ કરી હતી. એક, ૧૯૭૫માં દેશમાં કટોકટી જાહેર કરવાની અને બીજી, ઓપરેશન બ્‍લૂ સ્‍ટારની પરવાનગી આપવાની.

કે. નટવર સિંહે ૧૯૬૬થી ૧૯૭૧ સુધી ઈન્‍દિરા ગાંધીની ઓફિસમાં એક સિવિલ સર્વિસીસ ઓફિસર તરીકે કામ કર્યું હતું અને ૧૯૮૦ના દાયકામાં કોગ્રેસમાં જોડાયા હતા તેમ જ રાજીવ ગાંધીના પ્રધાનમંડળમાં પ્રધાન રહ્યા હતા.

કે. નટવર સિંહે પત્રોનો સંગ્રહ કરીને તૈયાર કરેલા પોતાના નવા પુસ્‍તક ‘ટ્રેઝર્ડ એપિસ્‍ટલ્‍સ'માં સંબંધિત માહિતી આપી હતી. પુસ્‍તકમાં ઇન્‍દિરા ગાંધી, ઇ. એમ. ફોર્સ્‍ટર, સી. રાજગોપાલાચારી, લોર્ડ માઉન્‍ટબેટન, જવાહરલાલ નહેરુના બે બહેન - વિજયાલક્ષ્મી પંડિત અને કૃષ્‍ણા હઠીસિંગ, આર. કે. નારાયણ, નિરાદ સી. ચૌધરી, મુલ્‍કરાજ આનંદ અને હાન સુયીને લખેલા પત્રોનો સમાવેશ કરાયો છે. ઇન્‍દિરા ગાંધીએ કે. નટવર સિંહને પિતા બનવા બદલ અભિનંદન આપતો પત્ર લખ્‍યો હતો.ભૂતપૂર્વ વડાં પ્રધાને કે. નટવર સિંહને જન્‍મદિન અને બીમારીમાંથી સાજા થવાની શુભેચ્‍છા વ્‍યક્‍ત કરતા પત્રો પણ લખ્‍યા હતા.

રાજગોપાલાચારીએ કે. નટવર સિંહને એક વખત જણાવ્‍યું હતું કે મેં લાઙ્ઘર્ડ માઉન્‍ટબેટનને દેશના ભાગલા પાડવાનો વિચાર આપ્‍યો હતો, કારણ કે તે વખતે દેશના ભાગલા પાડવા એ જ એકમાત્ર વિકલ્‍પ હતો.

કે. નટવર સિંહે જણાવ્‍યું હતું કે મહાત્‍મા ગાંધી તો દેશના ભાગલા પાડવાની વિરુદ્ધમાં હતા.રાજગોપાલાચારીએ જણાવ્‍યું હતું કે ગાંધી મહાન વ્‍યક્‍તિ હતા. અમે બધા જયારે દેશના ભાગલા ઇચ્‍છતા હોવાનું તેમણે જાણ્‍યું ત્‍યારે તેમનો મોહભંગ થયો હતો અને ભાગલા માટે સહમત થયા હતા અને બીજા દિવસે દિલ્‍હીથી જતા રહ્યા હતા.

 

(12:46 pm IST)