Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

‘ભવિષ્‍ય કા ભારત' સંઘના કાર્યક્રમનો પ્રારંભઃ છાપ દૂર કરવા પ્રયાસ

સંઘના ઈતિહાસમાં પહેલીવાર ૩ દિવસનો મેગા કાર્યક્રમઃ સતત ૩ દિવસ સુધી સંઘના વડા મોહન ભાગવત સંવાદ કરશેઃ દેશ-વિદેશની મોટી હસ્‍તીઓ ભાગ લઈ રહી છેઃ વિપક્ષોના મુખ્‍ય ચહેરા દૂર રહેશે : ૭૨ કલાકમાં શું સંઘને લઈને વિરોધીઓનો દ્રષ્‍ટિકોણ બદલાશે ? સંઘ આ સંમેલન થકી પોતાની છાપ દૂર કરવા પ્રયાસ કરશેઃ રાજકારણથી ઉપર હોવાનું લોકોને જણાવશેઃ છેલ્લે સવાલોના જવાબો રમઝટ બોલાવશે

નવી દિલ્‍હી, તા. ૧૭ : આજથી અહીં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ આરએસએસના ૩ દિવસના વ્‍યાખ્‍યાનમાળા કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના કેન્‍દ્ર બિન્‍દુમાં હિન્‍દુત્‍વ રહેશે. જો કે કાર્યક્રમમા વિપક્ષના

ટોચના નેતાઓ સામેલ થશે કે નહિં ? તે નક્કી નથી. કાર્યક્રમનું શિર્ષક છે ભવિષ્‍ય કા ભારતઃ આરએસએસ કા દ્રષ્‍ટિકોણ... આમા અનેક ટોચના લોકો ભાગ લે તેવી શકયતા છે. જેમાં ધાર્મિક નેતાઓ, ફિલ્‍મ કલાકારો, રમતગમત ક્ષેત્રની હસ્‍તીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના રાજદ્વારીઓ ભાગ લેશે. આ કાર્યક્રમ માટે સંઘ તરફથી મમતા બેનર્જી, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, માયાવતી, દિગ્‍વીજયસિંહ વિગેરેએ સંઘના આમંત્રણ અંગે કોઈ જવાબ આપ્‍યો નથી. વિજ્ઞાન ભવનમાં યોજાયેલ રહેલા આ ૩ દિવસના કાર્યક્રમમાં સંઘ પોતાના પ્રત્‍યેની ખોટી ધારણાઓને તોડવાનો પ્રયાસ કરશે. સંઘની સ્‍થાપનાથી અત્‍યાર સુધી ૯૩ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સંઘ પ્રમુખ મોહન ભાગવતે ૧૦૦૦ પ્રબુદ્ધ લોકોને સંવાદ માટે બોલાવ્‍યા છે પરંતુ મોટો સવાલ એ છે કે, ૨૦૧૯ની સામાન્‍ય ચૂંટણીના ૬ મહિના પહેલા યોજાયેલા આ ૭૨ કલાકના કાર્યક્રમથી શું સંઘ પ્રત્‍યે તેમના વિરોધીઓનો દ્રષ્‍ટિકોણ બદલાશે ?

આ કાર્યક્રમ થકી સંઘ એ બતાડવાનો પ્રયાસ કરશે કે વધુને વધુ લોકો તેની વિચારધારા સાથે જોડાઈ. ખુદ સંઘના વડા મોહન ભાગવત દેશના જ્‍વલંત મામલા પર સંઘના દ્રષ્‍ટિકોણથી લોકોને અવગત કરશે. આ કાર્યક્રમમાં દેશના તમામ રાજ્‍ય પક્ષને બોલાવવાનો મતલબ શું છે ? શું સંઘ એ બતાડવાનો પ્રયાસ કરે છે રાજકારણથી ઉપર છે ? આ કાર્યક્રમમાં ૩૦ દેશોના રાજદૂત, ૪ પૂર્વ સૈન્‍ય પ્રમુખ, અનેક ધાર્મિક પક્ષો અને વિવિધ ક્ષેત્રોની હસ્‍તીઓ ભાગ લઈ રહ્યા છે. મુખ્‍ય વિપક્ષે ટોચના નેતાઓને બદલે પ્રતિનિધિઓને મોકલવાની વાત જણાવી છે.

કાર્યક્રમના પ્રથમ બે દિવસ સંઘ પ્રમુખ વિવિધ વિષયો પર સંઘના વિચારો સામે રાખશે. અંતિમ દિવસે આમંત્રીત હસ્‍તીઓ સાથે સવાલ જવાબ થશે. આ પહેલો પ્રસંગ છે કે જ્‍યારે સંઘના વડા એક જ સ્‍થળ પર ૩ દિવસ સુધી એક કાર્યક્રમને સંબોધીત કરશે. એવુ માનવામાં આવે છે કે સંઘે વિવિધ મુદ્દે પોતાની વિરૂદ્ધ બનેલી પ્રતિકૂળ ધારણાને દૂર કરવા માટે આવા આયોજનની રણનીતિ બનાવી છે.

સંઘના પ્રચાર પ્રમુખ અરૂણકુમારના કહેવા મુજબ આજે ભારત વિશ્વમાં પોતાનું ખાસ સ્‍થાન પામી રહ્યો છે ત્‍યારે સમાજનો એક મોટો પ્રબુદ્ધ વર્ગ રાષ્‍ટ્રીય મહત્‍વના વિવિધ વિષયો પર સંઘનો દ્રષ્‍ટિકોણ જાણવા ઉત્‍સુક છે તેથી આ કાર્યક્રમ યોજાયો છે. સંઘના આ મેગા કાર્યક્રમ ૩ વિભાગમાં વહેંચાયેલો હશે. પહેલા સંવાદ, પછી વિચારધારા અંગે વિસ્‍તારથી વાત કરશે અને ત્રીજા હિસ્‍સામાં વિપક્ષ તરફથી થઈ રહેલા પ્રહારોનો જવાબ અપાશે. જોવાનું એ છે કે સંઘ કેટલો સફળ થાય છે. સંઘની સ્‍થાપના ૨૭ સપ્‍ટેમ્‍બર ૧૯૨૫ના રોજ રોજ ડો. હેગડેવારે નાગપુરમાં કરી હતી. હાલ ૮૩૦૦૦ શાખાઓ લાગે છે. જાણકારોના કહેવા મુજબ દેશભરમાં ૧ કરોડથી વધુ પ્રશિક્ષિત સ્‍વયંસેવકો છે.

(10:24 am IST)