Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

શેરબજારની દિશા નક્કી કરવામાં ક્રૂડ અને રૂપિયાની ભૂમિકા રહેશે

જુદા જુદા પરિબળોને લઇને સરકાર હાલમાં ભારે ચિંતાતુર : ઘટતા જતાં રૂપિયાને રોકવા માટે સરકાર દ્વારા ટુંકમાં જ નવા પગલા લેવાશે ખાતાકીય ખાધ ઉપર અંકુશ મુકવાનો પડકાર : ભારે ઉથલપાથલના એંધાણો

મુંબઇ,તા. ૧૬ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં ભારે ઉથલપાથલ જોવા મળે તેવી શક્યતા છે. વર્તમાન ખાતાકીય ખાધને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. શુક્રવારના દિવસે સેંસેક્સ ૩૭૩ પોઇન્ટ સુધરીને ૩૮૦૯૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪૫ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો તેની સપાટી ૧૧૫૫૦ નોંધાઈ હતી. સાપ્તાહિક આધાર પર શેરબજારમાં ભારે ઉથલપાથલ રહી હતી. બેંચમાર્કમાં સાપ્તાહિક આધાર પર સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો હતો. માઇક્રો ઇકોનોમિક મોરચા ઉપર જુદા જુદા પરિબળોની અસર જોવા મળી રહી છે. આગામી સપ્તાહમાં ઉથલપાથલનો દોર જારી રહી શકે છે. આવી સ્થિતિમાં રોકાણ ખુબ ઓછું રહે તેમ માનવામાં આવે છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૮.૨ ટકાનો રહ્યો હતો. છેલ્લા સપ્તાહમાં સરકારે જાહેરાત કરી હતી કે, રૂપિયામાં ઘટાડાને કાબૂમાં લેવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. વર્તમાન ખાતાકીય ખાધને પણ નિયંત્રણમાં રાખવામાં આવશે. અર્થતંત્રની સ્થિતિ સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય બેઠક શુક્રવારે યોજાયા બાદ પગલાઓની જાહેરાત કરવામાં આવી હતી જેમાં વિદેશી ડેબ્ટ વ્યવસ્થામાં હળવું વલણ અપનાવવા અને રૂપિયા સાથે સંબંધિત ડેબ્ટને લઇને પગલા લેવાની વાત કરવામાં આવી હતી. શનિવારના દિવસે નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, સરકાર કોઇપણ પ્રકારના કાપ અંદાજિત ખર્ચમાં મુક્યા વગર વર્તમાન નાણાંકીય વર્ષમાં પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. અન્ય જે પરિબળોની અસર રહેનાર છે તેમાં ક્રૂડની વધતી જતી કિંમતનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે હજુ સુધી ડોલર સામે રૂપિયામાં ૧૧.૧ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૭૨.૯૨ સુધી પહોંચ્યો હતો જેથી બજાર અને સરકાર બંને ચિંતાતુર દેખાઈ રહ્યા છે. દેશમાં ફોરેન રિઝર્વનો આંકડો ૪૦૦ અબજ ડોલરથી નીચે પહોંચી ગયો છે. ટ્રેડ ડેફિસિટનો આંકડો પાંચ વર્ષની ઉંચી સપાટી એટલે કે જુલાઈ મહિનામાં ૧૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જો કે, ઓગસ્ટ મહિનામાં આ  આંકડો ઘટીને ૧૭.૪ અબજ ડોલર થયો છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને પણ ચિંતા પ્રવર્તી રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એવા સંકેત આપી ચુક્યા છે કે, ચીની આયાત ઉપર વધુ નિયંત્ર લાગૂ કરશે. ૨૦૦ અબજ ડોલરથી વધુની કિંમતની ચીની આયાત ઉપર નવા નિયંત્રણો ટ્રમ્પ વહીવટીતંત્ર લાગૂ કરનાર છે. બેંક ઓફ જાપાનની બેઠક બુધવારના દિવસે મળશે. ઓગસ્ટ મહિનાના સીપીઆઈ અને કોર સીપીઆઈ ડેટા પણ આવતીકાલે જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે.

(7:54 pm IST)