Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બિહાર : ભાજપ અને જેડીયુ વચ્ચે મતભેદોનો થયેલો અંત

બેઠકોની વહેંચણી અંગે સમજૂતિ થઇ ગઇ : કોણ કેટલી બેઠક પર ચૂંટણી લડશે તેને લઇને ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે : જેડીયુની ઘોષણા

નવી દિલ્હી, તા. ૧૬ : વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ અને જનતા દળ યુનાઇટેડ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને સહમતિ થઇ ચુકી છે. બંને પાર્ટીઓ આના ઉપર લાંબા સમયથી વાતચીત કરી રહી હતી. બંને પાર્ટીઓ વચ્ચે અનેક વખત મતભેદો પણ સપાટી ઉપર આવ્યા હતા. આખરે આ વિવાદને હવે ઉકેલી લેવામાં આવ્યો છે. જેડીયુના નેતા આરસીપી સિંહે કહ્યું છે કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા બાદ પાર્ટી મજબૂત થશે. બેઠકોની વહેંચણી અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, બંને પાર્ટી વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. હવે છેલ્લા તબક્કામાં વાતચીત પહોચી ચુકી છે. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. બિહારમાં લોકસભાની ૪૦ સીટો છે. ૨૦૧૪માં નીતિશકુમાર એનડીએની સાથે નહીં બલ્કે એકલા હાથે ચૂંટણી લડ્યા હતા. એનડીએમાં ભાજપ, એલજેપી, આરએલએસપી અને થોડાક સમય સુધી હમ પાર્ટી હતી. ભાજપે ૨૯ સીટ પર ચૂંટણી લડી હતી અને ૨૨ ઉપર જીત મેળવી હતી  જ્યારે રામવિલાસ પાસવાનની પાર્ટીએ ૭ સીટ પર ચૂંટણી લડી હતી અને છ ઉપર જીત મેળવી હતી. આરએલએસપીએ ચાર સીટો પૈકી ત્રણ સીટો ઉપર જીત મેળવી હતી. આ દ્રષ્ટિએ ૨૦૧૪માં એનડીએના ખાતામાં ૩૨ સીટો આવી હતી. જેડીયુનો જોરદાર સફાયો થયો હતો. નીતિશકુમાર ફેંકાઈ ગયા હતા. નીતિશકુમાર એકલા હાથે ચૂંટણી લડ્યા હતા જે પૈકી તેમની પાર્ટીને ૪૦ પૈકી માત્ર બે સીટો મળી હતી. ૨૦૧૯ માટે બિહારમાં બેઠકોની વહેંચણીને લઇને મામલો અટવાયેલો હતો. વચ્ચેના ગાળામાં મતભેદોના અહેવાલ પણ આવ્યા હતા. એવા અહેવાલ પણ આવ્યા હતા કે, જેડીયુ દ્વારા ૪૦ પૈકી ૨૫ સીટોની માંગ કરવામાં આવી છે. જો ભાજપ રાજી થશે નહીં તો જેડીયુ એકલા હાથે ચૂંટણી લડશે.

(9:07 am IST)