Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

મુશર્રફના કઝીન અદનાન અસદની ઈમરાન સરકારમાં મોટી પહોંચઃ મીકાના ગ્રુપ માટે વીઝા મેળવ્યા

મિકાસિંહ અને અન્યો લાહોરમાં કોઈ મોટા અધિકારીને મળ્યા'તાઃ પછી પરફોર્મ કર્યાનો ધડાકો

નવીદિલ્હીઃ બોલિવૂડના ગાયક મીકા સિંહના તાજેતરમાં જ પરવેઝ મુશર્રફના સંબંધી અસદની દીકરી સેલિનાની મહેંદીમાં પરફોર્મ કર્યું હતું. હવે મીકા સિંહના આ શોને લઈને એક મહત્વની જાણકારી સામે આવી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને કરાચીમાં થયેલા શો અંગે મહત્વની માહિતી પ્રાપ્ત થઈ છે.

૮ ઓગસ્ટના રોજ પાકિસ્તાનના કરાચીમાં આયોજિત 'મીકા સિંહ નાઈટ' કાર્યક્રમમાં મહેમાનોની યાદીમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અનેક ઉચ્ચ અધિકારીઓ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સગા-સંબંધઓના નામ પણ હોવાનો ખુલાસો થયો છે.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના કાકાના દિકરા અદનાન અસદે પોતાની દિકરીની મહેંદી રસમ માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કરાચીની ડિફેન્સ હાઉસિંગ કોલોનીના એક આલિશાન બંગલા (૨૩, બીચ અવેન્યુ, ફેઝ-૩)માં કરાયું હતું. અહીંથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમ અને તેના ખાસ સાથી છોટા શકીલનું ઘર નજીકના અંતરે જ આવેલું છે.

ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ વડા અહેમદ શુજા પાશા પણ હાજર રહ્યા હતા. અદનાનની પત્ની અંજુમ અસદના પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેના ફોટાથી જ તમે અંદાજ લગાવી શકો કે પાકિસ્તાન સરકારમાં અદનાનની કેટલી પહોંચ છે.

કહેવાય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન સાથેના સારા સંબંધોના કારણે જ અદનાન અસદ ભારતીય ગાયક મીકા સિંહ અને તેના ૧૪ ક્રૂ મેમ્બર્સ માટે વિઝા મેળવી શકયા હતા. સૂત્રો અનુસાર કાર્યક્રમથી પહેલા મિકા સિંહ અને અન્ય લોકોએ લાહોરમાં કોઈ મોટા સરકારી અધિકારીની મુલાકાત કરી હતી અને ત્યાર પછી ૮ તારીખના આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું.

અદનાન અસદે પરવેઝ મુશર્રફના કાર્યકાળમાં એક ટિશ્યુ પેપર મેન્યુફેકચરરમાંથી અબજપતિ બિઝનેસમેન બનવાની મોટી છલાંગ લગાવી હતી. અદનાનના અનેક ક્રિકેટર્સ સાથે પણ નજીકના સંબંધ છે.

ઉલ્લેખનીય છે કે, પરવેઝ મુશર્ફે જ ભારત પર ૧૯૯૯માં કારગીલ યુદ્ધ ઠોકી બેસાડ્યું હતું. હવે આ ભારત વિરોધી પાકિસ્તાનના પૂર્વ જનરલના સગાના લગ્નમાં જ મિકા સિંહે કરેલા પરફોર્મન્સને લઈને ભારે વિવાદ ઉભો થયો છે.

(11:37 am IST)