Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

બિહારમાં અપક્ષ ધારાસભ્ય અનંત સિંહના ઘરે પોલિસના દરોડા: AK-47 રાયફલ,જીવતા કારતુસ અને બુલેટ મળી

દરોડાની કાર્યવાહી ચાલુ :સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે

બિહારની પોલિસે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અપક્ષ ધારાસભ્ય અનંત કુમાર સિંઘના ઘરે દરોડા પાડતા તેમના ઘરમાંથી AK-47 રાઈફલ, જીવતા કારતૂસ અને બુલેટ મળી આવી છે. નાદવા ગામમાં આવેલા અનંત સિંહના પૈતૃક ઘરમાં પોલિસે દરોડા પાડ્યા હતા. પોલિસ અધિકારીઓના જણાવ્યા મુજબ તેમના ઘરમાંથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે.

  અનંત સિંહ અપક્ષ ધારાસભ્ય છે અને તેમના ગામડાના ઘરમાંથી હથિયારોની હેરાફેરીના પોલિસને ઈનપુટ મળ્યા હતા, ત્યાર પછી પોલીસે કાર્યવાહી કરી છે, ગ્રામીણ એસપી કાંતેશ મિશ્રાની દેખરેખ હેઠળ હાલ પોલીસની દરોડાની કાર્યવાહી ચાલુ છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે. સાથે સ્નીફર ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ સાથે રાખવામાં આવી છે

  પોલિસે જણાવ્યું કે, અનંતસિંહના આરોપો ખોટા છે કે, તેમના ઘરને તોડવામાં આવી રહ્યું છે. પોલિસે જણાવ્યું કે, સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. ગ્રામીણ એસપી કાંતેશ મિશ્રાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, પોલિસ જ્યારે ધારાસભ્યના પૈતૃક ઘરે પહોંચી ત્યારે ઘરમાં રહેતા નોકરે દરવાજો ખોલ્યો હતો. ધારાસભ્ય અને તેમનો પરિવાર ઘરમાં હાજર હતો. થોડા દિવસ પહેલા ધારાસભ્યના ઘરમાંથી હથિયારોનો જથ્થો કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યો હતો.
  
ધારાસભ્ય પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તાજેતરમાં તેમનો એક ઓડિયો વાયરલ થયો હતો, જેમાં તેમની અવાજમાં હત્યાનું કાવતરું ઘડતા સંભળાઈ રહ્યા છે. ત્યાર પછી તેમના અવાજની તપાસ પણ કરવામાં આવી હતી. FSLની ટીમને ઓડિયો મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી

(11:00 pm IST)