Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મતદાર બનવા માટે શાળા જીવનથી જ રસ જગાડવા મતદાર સાક્ષરતા કલબ સ્થપાશે

ભાવિ મતદારો માટે ચૂંટણી પંચનો નૂતન પ્રયોગ

રાજકોટ તા. ૧૬ :.. કેન્દ્રીય ચૂંટણી પંચની યોજના મુજબ ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર સાક્ષરતા કલબ સ્થાપવામાં આવનાર છે. ધોરણ ૯ થી ૧ર માં ભણતા વિદ્યાર્થીઓ ૧૮ વર્ષની નજીકની ઉમરના હોય છે. ૧૮ વર્ષ પુરા થાય પછી મતદાર તરીકે નામ નોંધણી કરાવવાની જાગૃતિ તેમનામાં કેળવવાનું કામ મતદાર સાક્ષરતા કલબ કરશે. તબકકાવાર કલબના વ્યાપ કોલેજ અને યુનિવર્સિટી કક્ષા સુધી વિસ્તારાશે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ દરેક ભારતીય નાગરિક ૧૮ વર્ષ પૂરા કર્યા બાદ મતદાર બની ચૂંટણીમાં મતાધિકાર ભોગવે તે જરૂરી છે. શાળા જીવન  વખતથી જ બાળકોમાં મતદાર બનવાનો રસ જગાડવા કલબ  દ્વારા ગમ્મત સાથે જ્ઞાન અપાશે. ભાવિ મતદારોને  મતાધિકાર અપાવવા માટેનો આ જાગૃતિ કાર્યક્રમ છે. મહિનામાં એક - બે દિવસ શૈક્ષણીક કાર્ય બગડે નહિ તે રીતે મતદાર સાક્ષરતા કલબની પ્રવૃતિ કરવામાં આવશે તેના માટે વહીવટી તંત્ર મારફત વ્યવસ્થા ગોઠવાશે. મતદાર સાક્ષરતા કલબ શરૂ કરવા માટે દરેક જિલ્લા કલેકટરે અલગ તારવેલી શાળાઓ પૈકી હાલ ૩૦ ટકા શાળાઓમાં કલબની કામગીરીના શ્રીગણેશ કરવામાં આવશે. મતદાર સાક્ષરતા કલબ સ્થાપનાથી ૧૮ પૂરા કરેલા અને નજીકના ભવિષ્યમાં ૧૮ વર્ષ પૂર કરનારા નાગરિકોમાં જાગૃતિનું પ્રમાણ વધવાની ચૂંટણી પંચને આશા છે.

(4:55 pm IST)