Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

નામ છે 'રામપુર' પણ રહેવા માટે દેશમાં સૌથી ખરાબ શહેર

ઇઝ ઓફ લીવિંગ ઇન્ડેકટસ ૨૦૧૮માં રામપુરનું સ્થાન ૧૧૧મું : સિટી બસ સર્વિસ નથી, વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ નથી, સ્થાનિક હોસ્પિટલમાં ઈમર્જન્સીની સ્થિતિ માટે કોઈ વ્યવસ્થા નથી, સ્કૂલોમાં પુસ્તકો નથી અને ઈલેકિટ્રસિટી સપ્લાય તો અત્યંત ખરાબ

રામપુર તા. ૧૬ : ભારતનું એક શહેર એવુ છે જયાં કોઈ સિટી બસ સર્વિસ નથી, વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ નથી, સ્થાનિક હોસ્પિટલમાં ઈમર્જન્સીની સ્થિતિ માટે કોઈ વ્યવસ્થા નથી, સ્કૂલોમાં પુસ્તકો નથી અને ઈલેકિટ્રસિટી સપ્લાય તો અત્યંત ખરાબ. આ શહેરનું નામ છે રામપુર અને અહીંના લોકો લાંબા સમયથી કહી રહ્યા છે કે આ માત્ર નામનું શહેર છે. હવે કેન્દ્રએ પણ આ વાતને મહોર લગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે શહેરી બાબતોના મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલા ઈઝ ઓફ લીવિગં ઈન્ડેકટસ ૨૦૧૮માં રામપુરનું સ્થાન ૧૧૧મું છે. રામપુરના સવા ત્રણ લાખ લોકો દરરોજ લગભગ ૧૬૫ ટન કચરો નીકાળે છે. થોડો કચરો પાસેના ઘાટમપુર ગામ પાસે ફેંકવામાં આવે છે અને બાકી બચેલા કચરાને રોડ્સ પર અથવા ડ્રેન્સમાં. કારણકે શહેરમાં કોઈ વેસ્ટ મેનેજમેન્ટ સુવિધા નથી.

સ્થાનિક વકીલ સૈયદ અમીર મૈન કહે છે કે, અમને કહેવામાં આવ્યુ હતું કે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. ચારે બાજુ કચરો છે, પરંતુ વીજળીનું નામોનિશાન નથી. રામપુરના મુખ્ય સ્વચ્છતા અધિકારી ટીપીએસ વર્માએ આના માટે સ્ટાફની કમીનું કારણ જણાવ્યું.

વર્મા જણાવે છે કે, ૧૯૯૧ના સરકારી આદેશ અનુસાર, પ્રત્યેક ૧૦ હજારની વસ્તી પર ૨૮ સ્વીપર હોવા જોઈએ. અમારી પાસે ૫૩૪ કોન્ટ્રાકટ વાળા કર્મચારીઓના સ્થઆને માત્ર ૧૭૦ અને ૩૫૫ પર્મનન્ટ કર્મચારીઓના સ્થાને માત્ર ૧૯૯ કર્મચારીઓ છે. ૪૩માંથી ૨૧ વોર્ડની સફાઈ માટે બહારથી લોકો લાવવા પડે છે.

સરકારી હોસ્પિટલ પણ અડધા સ્ટાફ પર કામ કરે છે. ૨૭ ડોકટર્સની પોસ્ટ છે, પરંતુ કાર્યરત માત્ર ૧૩ ડોકટર્સ છે, જે દરરોજ લગભગ ૪ હજાર દર્દીઓની સારવાર કરે છે. મહિલા વોર્ડમાં પણ બે દર્દીઓએ એક બેડ પર સુવુ પડે છે. હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ, ન્યૂરોલોજિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોકટર નથી. શહેરની એકપણ સરકારી અથવા પ્રાઈવેટ હોસ્પિટલમાં MRI મશીન નથી.

લોહાની કસ્તૂરબા રેસિડેન્શિયલ સ્કૂલમાં કચરો વાળતી સ્કૂલની વિદ્યાર્થી સાથે વાતચીત કરી. અહીં વીજળી પણ નથી અને સફાઈ પણ નથી. ૧૪૭ બાળકો માટે માત્ર બે કલાસરુમ છે, જેમાં બેન્ચ પણ નથી. પહેલા અને બીજા ધોરણના બાળકો એક રૂમમાં ભણે છે તેમજ ચોથા અને પાંચમા ધોરણના બાળકો એક રૂમમાં. બાકીના વિદ્યાર્થીઓ કોરિડોમાં બેસે છે.

(4:31 pm IST)