Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

યુપીના ઔરૈયામાં મંદિરમાં બે સાધુની હત્‍યા પછી તોફાનો

સાધુઓ ગૌહત્‍યાનો વિરોધ કરી રહ્યા હતા

લખનઊ તા. ૧૬ : કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના બિધુના વિસ્‍તારમાં આવેલા એક મંદિરમાં સૂતેલા બે સાધુની કરપીણ હત્‍યા કરી હતી અને ત્રીજો સાધુ ગંભીર રીતે ઘાયલ થયો હોવાની વાત ફેલાતા ઉશ્‍કેરાયેલા લોકોએ કેટલીક દુકાનોને આગ ચાંપી હતી અને પથ્‍થરમારો કર્યો હતો. ઉશ્‍કેરાયેલા ટોળાંને શાંત કરવા પોલીસે હવામાં ગોળીબાર કરવો પડયો હતો. મામલાને થાળે પાડવા સમગ્ર વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં પોલીસ તહેનાત કરવામાં આવ્‍યા હતા. પોલીસના જણાવ્‍યા અનુસાર હત્‍યાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્‍યું, પણ લોકોનું કહેવું હતું એ વિસ્‍તારમાં થતી ગૌહત્‍યાનો આ સાધુઓ વિરોધ કરતા હતા અને એ કારણસર કદાચ એમની હત્‍યા કરવામાં આવી હોઇ શકે. આ હિચકારૂં કૃત્‍ય મંગળવારે રાતે અંદાજે ત્રણ વાગ્‍યે કરવામાં આવ્‍યું હતું. કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ ભયાનકનાથ મંદિરમાં ઘૂસીને ત્‍યાં સૂતેલા ત્રણેય સાધુઓને ખાટલા સાથે બાંધીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ વાતની જાણ થયા બાદ લોહીથી લથબથ સાધુઓને જિલ્લા હોસ્‍પિટલમાં લઇ જવાયા હતા, પણ ત્‍યાં લજ્જારામ (૬૫) અને હલકેરામ (૫૩)ને મૃત ઘોષિત કરાયા હતા, જયારે રામશરન(૫૬)ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્‍યું હતું.  પોલીસ આ મામલે હત્‍યાનો આશય જાણવાની અને હત્‍યારાઓને શોધવાનો પ્રયત્‍ન કરી રહી છે.

(12:30 pm IST)