Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ભારતીયને ૨૦૨૨ સુધી સ્‍પેસમાં : ઇસરોએ મોદીનો પડકાર ઝીલી લીધો

નવી દિલ્‍હી તા. ૧૬ : વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ ભારતીયને ૨૦૨૨ સુધીમાં અવકાશમાં મોકલવાની યોજના ‘ગગનયાન'બુધવારે જાહેર કરી હતી. દરમિયાન, ઇન્‍ડિયન સ્‍પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના અધ્‍યક્ષ કે. શિવને દાવો કર્યો હતો કે સ્‍વાતંત્ર્ય દિને વડા પ્રધાને જાહેર કરેલી ભારતીયને અવકાશમાં મોકલવાની યોજના મુજબની પૂર્વ તૈયાર થઇ ગઇ છે.

તેમણે જણાવ્‍યું હતું કે અમે ક્રૂ મોડ્‍યુલ, ક્રૂ એસ્‍કેપ, પર્યાવરણ નિયંત્રણ, જીવનરક્ષક (લાઇફ-સપોર્ટ) સિસ્‍ટમ, સ્‍પેસ સ્‍યૂટ, આ મિશન માટેના રોકેટ જિયોસિન્‍ક્રોનસ સેટેલાઇટ લોન્‍ચ વેહિકલ (જીએસએલવી) માર્ક-થ્રી જેવી તૈયારી કરી લીધી છે.

મોદીએ સ્‍વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગા પ્રવચનમાં જણાવ્‍યું હતું કે આપણો દેશ અવકાશ વિજ્ઞાનમાં ઘણી પ્રગતિ કરી રહ્યો છે. ‘ગગનયાન'૨૦૨૨ સુધીમાં ભારતના ‘દીકરા કે દીકરી'ને રાષ્ટ્રધ્‍વજ સાથે અવકાશમાં લઇ જશે. કે. શિવને જણાવ્‍યું હતું કે અમે સમાનવ અવકાશયાન મોકલતા પહેલાં જિયોસિન્‍ક્રોનસ સેટેલાઇટ લોન્‍ચ વેહિકલ માર્ક-થ્રીની મદદથી બે અમાનવ અવકાશયાન છોડીશું. ભારત જો સમાનવ અવકાશયાન છોડશે તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ મેળવનારો ચોથો દેશ બનશે.

(10:31 am IST)