Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સંસદમાં ગેરહાજર રહેતા પ્રધાનો સામે મોદીએ ધોકો પછાડ્યો : સતત હાજર રહેવા અનુરોધ

જે પ્રધાન ગેરહાજર રહે તેની મને સાંજે જ જાણ કરવા કહ્યું : રાજકારણથી હટીને સાંસદોએ કામ કરવું જોઇએ : સામાજિક કાર્યોમાં ભાગ લો

નવી દિલ્હી, તા. ૧૬ : ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક મંગળવારના રોજ સંસદ લાઇબ્રેરી બિલ્ડિંગમાં યોજાઇ. બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી. આ દરમ્યાન પીએમ મોદીએ સાંસદોને સમાજ સેવા સાથે જોડાવા માટે કહ્યું. સાથો સાથ મંત્રીઓના કામને લઇ લાંલ આંખ પણ દેખાડી. તેમણે કહ્યું કે ડ્યુટી બાદ પણ મંત્રીઓ નહીં આવતા વિપક્ષ ફરિયાદ કરે છે. તેમણે એવા મંત્રીઓના નામ પણ માંગ્યા જે ડ્યુટી પર જતા નથી.

બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે રાજકારણથી હટીને સાંસદોએ કામ કરવું જોઇએ. તેમણે કહ્યું કે દેશની સામે જળ સંકટ છે, આથી તેના માટે પણ સાંસદોએ કામ કરવું જોઇએ. વડાપ્રધાને કહ્યું કે પોતાના વિસ્તારના અધિકારીઓની સાથે બેઠક કરીને પ્રજાની સમસ્યાઓ અંગે વાત કરવી જોઇએ. સાંસદો અને મંત્રીઓએ સંસદમાં રહેવું જોઇએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં કહ્યું કે જે મંત્રી રોસ્ટર ડ્યુટીમાં ઉપસ્થિત રહેતા નથી તેના અંગે એ જ દિવસે સાંજ સુધીમાં મને જણાવો. પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે સરકારી કામ અને યોજનાઓમાં આગળ વધીને ભાગ લો, સામાજિક કાર્યોમાં ભાગ લો, જયારે સંસદ ચાલી રહી હોય તો ગૃહમાં ઉપસ્થિત રહો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સાંસદો એ પોતાના ક્ષેત્રમાં જઇને સરકારની યોજનાઓ અંગે પ્રજાને જણાવું જોઇએ. પહેલી જે છાપ પડે તે જ છેલ્લી છાપ હોય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજકારણથી હટીને પણ સાંસદોએ કામ કરવું જોઇએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે સાંસદોએ પોતાના સંસદીય ક્ષેત્ર માટે કોઇ એક ઇનોવેટિવ કામ કરવું જોઇએ. જિલ્લા પ્રશાસનની સાથે મળીને કામ કરો. રાજકારણની સાથો સાથ સામાજિક કામકરો. પ્રાણીઓની બીમારીઓ પર પણ કામ કરો. ટીબી, કોઢ જેવી બીમારીઓ પર મિશન મોડમાં કામ કરો.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, વિદેશ મંત્રી એસ.જયશંકર, કેન્દ્રીય મંત્રી વી.મુરલીધરન સહિતના કેટલાંય નેતા હાજર રહ્યા. બેઠકમાં લોકસભા અને રાજયસભાના તમામ સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધિત કર્યા.

(3:24 pm IST)