Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

લોકસભામાં ખરડો રજૂઃ હેલ્મેટ વિના ડ્રાઇવિંગનો દંડ ૧૦૦૦ રૂપિયા

પ૦ કે ૧૦૦ રૂપિયાના દંડથી ડર નથી લાગતો એટલે દંડ વધારવાની જરૂર છેઃ એક જ વ્યકિતના નામે અનેક લાઇસન્સ હોય છેઃ દેશમાં ૩૦ લાખ બોગસ લાઇસન્સ છે

નવી દિલ્હી તા. ૧૬ :.. મોટર વેહિકલ અધિનીયમના નિયમોને વધુ કડક બનાવવા અને આ સંબંધે કેન્દ્ર સરકારને વધારે અધિકાર આપવાના સંબંધે મોટર વેહિકલ અધિનીયમ વિધેયક, ર૦૧૯ વિપક્ષના વિરોધ વચ્ચે સોમવારે લોકસભામાં રજૂ કર્યુ હતું. સડક પરિવહન તેમજ રાજમાર્ગ રાજય પ્રધાન જનરલ વી. કે. સિંહે એને સદનમાં રજૂ કર્યુ હતું. સડક પરિવહન તેમજ રાજય માર્ગ પ્રધાન નીતિન ગડકરીએ કહયું કે દેશમાં દર વર્ષે પાંચ લાખ રોડ એકિસડન્ટ થાય છે જેમાં પાંચ લાખ લોકોનાં મોત થાય છે. એ માટે નિયમને કડક બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે 'તમામ પ્રયાસો છતાં ગઇ સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં તેમનું મંત્રાલય સડક-દુર્ઘટનાઓમાં માત્ર ૪ ટકા સુધીનો ઘટાડો કરી શકી છે., જે તેમની નિષ્ફળતા છે. દેશમાં લોકો સ્વયં નિયમોનું પાલન કરવા નથી માગતા. તેઓને પ૦ કે ૧૦૦ રૂપિયાના દંડથી ડર નથી લાગતો એટલે દંડ વધારવાની જરૂર છે. એક જ વ્યકિતના નામે અનેક લાઇસન્સ હોય છે. દેશમાં ૩૦ લાખ બોગસ લાઇસન્સ છે.' ગડકરીએ કહયું કે 'આ કાનૂન રાજયો પર થોપવામાં નહીં આવે. જે રાજય સ્વેચ્છાએ એને અપનાવવા માગે છે તે અપનાવી શકશે. આ વિધેયકને ગઇ લોકસભામાં પારિત કરવામાં આવ્યું હતું, પણ રાજયસભામાં એ પારિત થઇ શકયું નહોતું, જેને કારણે આ વિધેયક ફરીથી લોકસભામાં લાવવું પડયું છે.'

(11:41 am IST)