Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વિચારધારાથી અલગ જશો તો અડવાણી જેવી હાલત થશે

પક્ષના કાર્યકરોના ટ્રેનીંગ કેમ્પમાં ભાજપે પોતાના કેડરને વિચારધારાથી વિપરીત જવા પર ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપીઃ સંઘના ટ્રેનર બીજા કોઈના નહિ પરંતુ ભાજપના પિતામહ અડવાણીનું ઉદાહરણ આપી રહ્યા છે : અડવાણીએ જીણાને સેકયુલર કહ્યા બાદ તેમની પાસેથી અધ્યક્ષ પદ છીનવાયુ હતું: શંકરસિંહ વાઘેલા એક વખત ભાજપના વરિષ્ઠ નેતા હતાઃ વિચારધારાથી અલગ થયા પછી આજે તેઓ કયાં છે ? કયાંય નથી

લખનઉ, તા. ૧૬ :. ભાજપ પોતાના કેડરને વિચારધારાની ટ્રેનીંગ આપી રહ્યુ છે. પક્ષના કાર્યકરો માટે યોજવામાં આવેલા ખાસ ટ્રેનીંગ કેમ્પમાં ભાજપે પોતાના કેડરને વિચારધારાથી વિપરીત જવા પર ગંભીર પરિણામ ભોગવવાની આકરી ચેતવણી પણ આપી છે. આ ટ્રેનીંગ કેમ્પમાં કાર્યકરોને એવી શિખામણ આપવામાં આવી રહી છે કે પક્ષની કોર વિચારધારા વિરૂદ્ધ જવા પર તેમને પદ પરથી હટાવી પણ શકાય છે. સંઘના ટ્રેનર આ માટે બીજા કોઈ નહિ પરંતુ ભાજપના પિતામહ ગણાતા લાલકૃષ્ણ અડવાણીનું ઉદાહરણ આપી રહ્યા છે.

ટ્રેનીંગ કેમ્પ દરમિયાન કાર્યકરોને જણાવાયુ હતુ કે, ૨૦૦૫માં પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી જીણાને સેકયુલર બતાવવા પર અડવાણીને પક્ષના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. યુપી ભાજપના ઉપાધ્યક્ષ જે.પી. રાઠોડે આ બાબત પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે કોઈપણ શખ્સ વિચારધારાથી ઉપર નથી તેમણે જણાવ્યુ હતુ કે આ બાબત કેડરને જણાવવામાં આવી છે. તેઓને ભાજપના વરિષ્ઠ નેતાઓના ઉદાહરણ આપવામાં આવ્યા છે. જેમા અડવાણી પણ સામેલ છે. અડવાણીએ પક્ષની વિચારધારાથી વિરૂદ્ધ નિવેદન આપતા તેમણે અધ્યક્ષ પદ ગુમાવવુ પડયુ હતું.

અત્રે એ નોંધનીય છે કે ૨૦૦૫માં અડવાણીએ પાકિસ્તાન જઈને જીણાને સેકયુલર કહ્યા હતા. જીણાની મઝાર પર જઈને અડવાણી તેમને સેકયુલર અને હિન્દુ-મુસ્લિમ એકતાના દૂત ગણાવ્યા હતા. આ નિવેદન બાદ અડવાણીએ અધ્યક્ષ પદ ગુમાવવુ પડયુ હતુ એટલુ જ નહિ તેમને પક્ષમાં કથીત રીતે એકલા પાડી દેવામાં આવ્યા હતા.

તેમને કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી નેતા તરીકે ગણવામાં આવતા હતા પરંતુ પાકિસ્તાનમાં જીણાના વખાણ કરતા તેમની છબી અલગ થઈ ગઈ હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે જીણા પ્રસંગથી તેમની છબી એવી બગડી કે કેરીયરનો અંત આવ્યો. પક્ષે ભલે તેમને ૨૦૦૯માં પીએમ ઉમેદવાર પસંદ કર્યા હતા પણ તેઓ અગાઉ જેવી રંગત લાવી ન શકયા. આ વખતે તેમને ટીકીટ પણ ન અપાઈ જેનાથી તેમની ચૂંટણી રાજનીતિની સફર પણ પુરી થઈ.

કાર્યકરોને બીજુ ઉદાહરણ યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું પણ આપવામાં આવ્યું. ૨૦૦૯માં સપાને સમર્થન આપવાની જાહેરાતને કારણે તેમને ભાજપમાંથી બહાર જવુ પડયુ હતું. ૨૦૧૪માં તેઓ ફરી ભાજપમાં આવ્યા. હાલ તેઓ રાજસ્થાનના રાજ્યપાલ છે. રાઠોડનું કહેવુ છે કે, આવા અનેક મામલા છે. કયારેક ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા આજે કયાં છે ? કયાંય નથી.

(11:27 am IST)