Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ : એક આતંકી ઠાર મરાયો

આ વિસ્તારમાં એકથી બે આતંકીઓ છુપાયા હોય તેવી સંભાવના: સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. આ દરમ્યાન સુરક્ષાદળો દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોનું ઓપરેશન હજી ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે તેની પુષ્ટિ કરી છે.

  એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાવવાની માહિતી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરી સુરક્ષા દળોએ આ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. સૈનિકોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો, ત્યારબાદ જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષા દળોએ પ્રતિક્રિયા આપ્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

 કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. હજી સુધી તેની ઓળખ થઈ નથી.  આ વિસ્તારમાં એકથી બે આતંકીઓ છુપાયા હોય તેવી સંભાવના છે. આ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 જૂને પણ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સોપોરમાં આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા અને બે નાગરિકો પણ માર્યા ગયા હતા. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે. સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવામાં રોકાયેલા છે. જેના કારણે આતંકવાદી સંગઠનો હવે સુરક્ષા દળો અને પોલીસને નિશાન બનાવવા લાગી છે.

(11:18 am IST)