Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

દોઢસો રૂપિયાના ભાવે કો-વેકિસનનો ડોઝ લાંબા ગાળે પરવડી ન શકે : ભારત બાયોટેક

ખુલ્લી બજારમાં રસીના ડોઝના ભાવ વધારે હોવા જરૂરી છે

હૈદરાબાદ,તા. ૧૬: ભારત બાયોટેકે મંગળવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને દોઢસો રૂપિયાના ભાવે કોવિડ-૧૯ની રસી 'કો-વેકિસન'નો ડોઝ આપવો લાંબા ગાળે પરવડી ન શકે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કારણસર બાકીનો આંશિક ખર્ચ કાઢી શકાય એ માટે ખુલ્લી બજારમાં રસીના ડોઝના ભાવ વધારે હોવા જરૂરી છે.

કેન્દ્ર સરકારને ખૂબ ઓછા ભાવે ડોઝ સપ્લાય કરવામાં આવતા હોવાથી કારણે ખાનગી ક્ષેત્રમાં ભાવ વધારે છે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે વેપાર કરવાના મુખ્ય કારણોમાં ઓછા ભાવે ખરીદી, વધુ વેચાણ અને રિટેઇલ માર્જિનનો સમાવેશ થાય છે, અહીં આ કારણોસર ખાનગી વેચાણ માટે કો-વેકિસનના ભાવ કોવિડ-૧૯ની ઉપલબ્ધ અન્ય વેકિસનની સરખામણીએ વધારે છે.

ભારત બાયોટેક હાલ કેન્દ્ર સરકારને રૂ. ૧૫૦, રાજય સરકારને રૂ. ૪૦૦ અને ખાનગી હોસ્પિટલોને રૂ. ૧૨૦૦ના હિસાબે કોવિડ-૧૯ના ડોઝ વેચે છે.

કેન્દ્ર સરકારના આદેશ મુજબ કો-વેકિસનના કુલ ઉત્પાદનના ૧૦ ટકાથી ઓછા ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચવામાં આવ્યા છે અને બાકીના ડોઝ કેન્દ્ર સરકાર અને રાજય સરકારોને વેચવામાં આવ્યા છે.

કંપનીએ અત્યાર સુધીમાં કો-વેકિસનના વિકાસ, કિલનિકલ ટ્રાયલ્સ અને ઉત્પાદન માટેની યુનિટ શરૂ કરવા માટે પોતાના સૂત્રો દ્વારા રૂ. ૫૦૦ કરોડના ભંડોળનું રોકાણ કર્યું છે.

(10:16 am IST)