Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

૬૦થી ૭૦ ટકા વસ્તીને પોતાના ભરડામાં નહિ લ્યે ત્યાં સુધી કાળમુખો કોરોના વાયરસ શાંત બેસવાનો નથીઃ નિષ્ણાંતો

વાયરસ હજુ જવાનો નથીઃ અનેક સ્થળે ફરીથી લોકડાઉન લાગુ કરવુ પડશેઃ એકસપર્ટની ચેતવણી

નવી દિલ્હી, તા. ૧૬ :. લાંબા સમય સુધી કડકાઈ લાગુ કર્યા બાદ વિશ્વના અનેક દેશોમાં લોકડાઉનમાં હવે ઢીલ આપવામાં આવી રહી છે પરંતુ સંક્રમણ અંગેના નિષ્ણાંતોનું કહેવુ છે કે વાયરસ હજુ કયાંય જવાનો નથી. આના કારણે ફરીથી અનેક સ્થળોએ લોકડાઉન લાગુ કરવુ પડશે.

સૌથી વધુ પોઝીટીવ લોકો સાથે અમેરિકા કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે. દેશમાં લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી છે પરંતુ અનેક રાજ્યોના નેતાઓએ ચેતવણી આપી છે કે ફરીથી લોકડાઉન કરવુ પડશે તો અમેરિકાની મીનેસોટા યુનિ.ના સેન્ટર ફોર ઈન્ફેકશન ડીઝીઝ રીસર્ચ એન્ડ પોલીસીના ડાયરેકટર માઈકલ ઓસ્ટરહોમએ કહ્યુ છે કે વાયરસ હાલ અટકવાનો નથી તો હાલમાં જ ખુદ કોરોનાથી બિમાર થઈ ચુકેલા વાયરોલોજીસ્ટ જોસેફ ફેયરે કહ્યુ છે કે જ્યારે વાયરસ વસ્તીમાં એટલો વધુ ફેલાય જશે તો પછી જૂની સ્થિતિમાં પરત આવવા માટે વેકસીન સિવાય કોઈ વિકલ્પ નહિ રહે.

ન્યુયોર્ક ટાઈમ્સમાં પ્રસિદ્ધ રીપોર્ટ અનુસાર નિષ્ણાંત ઓસ્ટરહોમે કહ્યુ છે કે જ્યાં સુધી વાયરસ ૬૦થી ૭૦ ટકા વસ્તીને ભરડામાં નહિ લ્યે ત્યાં સુધી તે વાયરસ આરામ કરવા નહી જાય. એકસપર્ટે અગાઉ પણ કહ્યુ હતુ કે વેકસીન નહિ મળે તો તે સ્થિતિમાં ૬૦થી ૭૦ ટકા વસ્તી સંક્રમિત થશે.

નિષ્ણાંતોનંુ કહેવુ છે કે લગભગ ૭૦ ટકા વસ્તી સંક્રમિત થયા બાદ કોમ્યુનિટીમાં હર્ડ ઈમ્યુનીટી બની શકે છે અને આગળ વાયરસની ચેઈન તૂટી જશે. હાલ અમેરિકામાં ૨૦ લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે પરંતુ આ સંખ્યા કુલ વસ્તીના ૧ ટકાથી પણ ઓછી છે.

નિષ્ણાંત ઓસ્ટરહોમ કહે છે કે અમેરિકાન ૮ રાજ્યોમાં ઈન્ફેકશનનો દર સ્થિર છે. જ્યારે ૨૨ રાજ્યોમાં દર વધી રહ્યો છે. બાકીનામા ઘટી રહ્યો છે. અનેક રાજ્યોમાં હજુ પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

(11:46 am IST)