Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

દેશભરના ડોક્ટરો આવતીકાલે હડતાલ ઉપર : લેબોરેટરી પણ જોડાશે : ૨૪ કલાક હડતાલ ચાલુ રહેશે : ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે

રાજકોટમાં મોટી ટાંકી પાસે રેડક્રોસ હોલમાં સવારથી ડોક્ટરો ધરણા ઉપર બેસશે: ડોક્ટરો માટે કેન્દ્રીય કાનૂન ઘડી કાઢવા દેશભરના ડૉક્ટરોની માગણી

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની લડાઈ હવે દેશભરમાં ફેલાઈ ગઈ છે અને આવતીકાલે સોમવારે સવારે ૬ વાગ્યાથી દેશભરના હજારો-લાખો ડોકટરો હડતાલ ઉપર ઉતરી જશે. આ હડતાલ 24 કલાક ચાલશે.

ડોક્ટરોના રાષ્ટ્રવ્યાપી ઈન્ડીયન મેડીકલ એસોસિએશને જાહેર કર્યું છે કે ડોક્ટરો ઉપરના હુમલા બાબતે જો આકરો કાયદો કરવામાં નહીં આવે તો તેઓ આગળ ઉપર વધુ પગલાં પણ ભરી શકે છે.

 ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા તેમની હેડ ઓફિસે દિલ્હીમાં આવતીકાલે ડોક્ટરો ધરણા પણ કરશે.

 પશ્ચિમ બંગાળમાં બે ડોક્ટરો ઉપર દર્દીઓના સગાવ્હાલાઓએ બેદરકારીનો આરોપ મૂકી હુમલો કર્યાના ઘેરા પડઘા પડયા છે.

 પશ્ચિમ બંગાળ સિવાય દિલ્હી મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં આ આંદોલન ફેલાઈ ચૂક્યું છે.

મમતા બેનરજીએ કોલકાતાના ડોક્ટરોની તમામ માગણીઓ સ્વીકારી લીધી છે અને તેમની સાથે મંત્રણાઓ કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે ડોક્ટરોએ દેશભરમાં 24 કલાક હડતાલનું એલાન કરી દીધું છે.

રાજકોટથી મળતા અહેવાલો મુજબ રાજકોટના તમામ ડૉક્ટરો મોટી ટાંકી પાસે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલની બાજુમાં આવેલ રેડક્રોસ હોલમાં એકત્ર થશે અને આખો દિવસ ત્યાં જ બધા ઉપસ્થિત રહેશે.

 જોકે ડોક્ટરી વર્તુળોએ જણાવેલ કે ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓ.પી.ડી કરવામાં આવશે નહિ.

 આઇએમએના પ્રેસિડેન્ટ રાજન શર્માએ કહ્યું છે કે ૧૯ રાજયો આ પહેલાં જ ડોક્ટરો માટે અલગ કાનૂન બનાવી ચૂક્યા છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઇ વ્યવસ્થા હાથ ધરવામાં આવી ન હોય, સીઆરપીસી કે આઇપીસીમાં તેનો સમાવેશ થયો ન હોય આ કાનૂનનો ખાસ કોઈ અર્થ સરતો નથી, એટલે કેન્દ્ર સરકાર જો આકરા કાયદાઓ નહીં ઘડે તો ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ભવિષ્યમાં મોટા પગલાં ભરી શકે છે.

 આવતી કાલે સવારે છ વાગ્યાથી આરોગ્ય સાથે જોડાયેલ તમામ સેવાઓ બંધ રહેશે. લાખો-કરોડો દર્દીઓને આ હડતાલથી ભારે તકલીફ અને જીવ પર જોખમ આવે તેવી પૂરી સંભાવના છે

(8:08 pm IST)