Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ગુજરાતમાં ૬૧% પાસે ટુ વ્‍હીલર : ૧૧% કારના માલિક

૧૨.૭૦% ઘરમાં વોશિંગ મશિન : ૫૨.૨૦% ઘરમાં ફ્રીઝ : ૧૭.૫૦% ઘરમાં એસીની સુવિધા : ઉત્તર પ્રદેશ, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, તામિલનાડુ, મધ્‍યપ્રદેશ જેવા રાજ્‍યો કરતાં પણ ગુજરાતમાં કારનું પ્રમાણ વધારે છે

નવી દિલ્‍હી તા. ૧૬ : નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે ૨૦૧૯-૨૧ પ્રમાણે જમ્‍મુ કાશ્‍મિરમાં સૌથી વધુ ૨૩.૭%, હિમાચલ પ્રદેશમાં ૨૨.૧૦%, પંજાબમાં ૨૧.૯૦%, નાગાલેન્‍ડમાં ૨૧.૩૦% સાથે સૌથી વધુ લોકો કારના માલિક છે.  બીજી તરફ મહારાષ્ટ્રમાં ૮.૭%, રાજસ્‍થાનમાં ૮.૨%, ઉત્તર પ્રદેશમાં ૫.૫%,મધ્‍ય પ્રદેશમાં ૫.૩% પાસે કાર છે.  સમગ્ર દેશમાં કાર ધરાવનારાઓનું સરેરાશ પ્રમાણ ૭.૫% છે. વર્ષ ૨૦૧૮માં આ પ્રમાણ ૬% હતું. ગુજરાતમાં ૬૧.૧૦% લોકો પાસે ટુ વ્‍હિલર છે. બીજી તરફ પંજાબમાંથી સૌથી વધુ ૭૫.૬૦%, રાજસ્‍થાનમાં ૬૬.૪૦%, તામિલનાડુમાં ૬૩.૯૦% ટુ વ્‍હિલર ધરાવે છે. આમ, સૌથી વધુ પાસે ટુ વ્‍હિલર હોય તેવા રાજયોમાં ગુજરાત પાંચમાં સ્‍થાને છે. સમગ્ર દેશમાં ટુ વ્‍હિલર ધરાવનારાઓનું પ્રમાણ ૪૯.૭૦% છે.

ગુજરાતમાં ૧૨.૭૦% ઘરોમાં વોશિંગ મશિન છે જયારે સમગ્ર દેશમાં આ પ્રમાણ ૧૮% છે. સૌથી વધુ ઘરમાં વોશિંગ મશિન હોય તેવા રાજયોમાં પંજાબ ૬૬.૪૦% સાથે માખરે, દિલ્‍હી ૬૫.૩૦% સાથે બીજા, હરિયાણા ૬૧.૨૦% સાથે ત્રીજા સ્‍થાને છે. ગુજરાતના ૫૨.૬૦% ઘરમાં ફ્રીઝ જયારે સમગ્ર દેશમાં આ પ્રમાણ ૩૮% છે. બિહારમાં માત્ર ૧૦% ઘરમાં ફ્રીઝ છે. ગુજરાતમાં ૧૭.૫૦% ઘરમાં એર કન્‍ડિશનર છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણ ૨૩.૭૦% છે.

(10:00 am IST)