Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ટ્રમ્પે કહ્યું અમે ભારત અને નરેન્દ્રભાઇ મોદીની સાથે, કોરોના સંકટમાં વેન્ટીલેટર ડોનેટ કરવાની જાહેરાત કરી

કોરોના સંકટમાં અમેરિકા અને ભારતની મિત્રતા અમેરિકા ભારતને વેન્ટીલેટર્સ આપશેઃ ટ્રંપ : બંને દેશો મળીને કોરોનાની વેકસીન બનાવી લેશેઃ ટ્રંપ

વોશીંગ્ટન, તા.૧૬: કોરોનાની લડતમાં હવે અમેરિકા ભારતની મદદે આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ભારતને વેન્ટિલેટર્સ આપશે. આ સિવાય ભારત અને અમેરિકા બંને સાથે મળીને વેકસીન પણ બનાવી લેશે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ભારતે અમને દવાઓ આપી હતી તો અમે વેન્ટિલેટર્સની મદદ કરીને મિત્રતા નીભાવીશું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત એક મહાન દેશ છે અને વડાપ્રધાન મોદી મારા ખૂબ સારા મિત્ર છે. હું થોડા દિવસો પહેલા ભારતથી પરત આવ્યો છું અને અમે સાથે રહ્યા (પીએમ મોદી). રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના નિવેદનમાં નવી દિલ્હી, અમદાવાદ અને આગ્રાની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. અગાઉ વ્હાઇટ હાઉસ વતી કહેવામાં આવતું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત સાથેના અમેરિકન સંબંધોને લઈને ખૂબ જ ખુશ છે. ભારત અમેરિકાનો મોટો ભાગીદાર બની ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા ભારતને ૨૦૦ વેન્ટિલેટર આપી શકે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ભારત અને અમેરિકા એક રસી બનાવી રહ્યા છે જે લોકોને વિના મૂલ્યે આપી શકાય છે.

ભારતે અમેરિકા સાથે મિત્રતા રાખીને હાઇડ્રોકસાઇકલોરોકિવન દવાઓની સપ્લાય પણ કરી હતી. ટ્રમ્પે પોતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આ માટે વિનંતી કરી હતી. ટ્રમ્પની વિનંતીને સ્વીકારીને સરકારે ૫ કરોડ દવાનો સ્ટોક અમેરિકા મોકલ્યો. અમેરિકાએ આ દવા કોરોના દર્દીઓની સારવાર માટે માંગી હતી. આ ડ્રગનું ઉત્પાદન ભારતમાં મોટા પાયે કરવામાં આવે છે, તેથી અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની માંગ તરત જ પૂરી થઈ. ટ્રમ્પે આ માટે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો.

હવે  મિત્રતાની વાત કરતાં અમેરિકાએ ભારતને વેન્ટિલેટર આપવાનું કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તે ભારતમાં વેન્ટિલેટર આપવા માંગે છે. ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અમેરિકા તરફથી અંદાજે ૨૦૦ વેન્ટિલેટર્સ આપવાની વાત છે.

(10:34 am IST)