Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

જેટ એરવેઝનાં સંકટથી કર્મચારીઓની હાલત કફોડીઃ ઇલાજ-હપ્તા-ફી માટે નથી પૈસા

કર્મચારીઓને ૩-૩ મહિનાથી નથી મળ્યો પગાર : જેટ એરવેઝ તમામ ફલાઇટ કેન્સલ કરવાની તૈયારીમાં છે : ૮૦૦૦ કરોડના દેવા હેઠળ દબાયેલ જેટ એરવેઝ તેની તમામ ફલાઇટ કામચલાઉ ધોરણે બંધ કરવાની તૈયારીમાં છેઃ હાલ માત્ર ૧૦ ટકા જ વિમાનો કાર્યરત છેઃ માત્ર ૭ વિમાન જ ઓપરેશન છેઃ ગઇકાલે બેંકો સાથેની બેઠકમાં કોઇ નિર્ણય લેવાયો નહોતોઃ જેટના સ્થાપક નરેશ ગોયલ ખુદ બોલીમાંથી બહાર નીકળી ગયા છે

મુંબઇ, તા.૧૬: સૌરભ સિન્હા અને મંજુ વીઃ એર લાઈન્સ કંપની જેટ એરવેઝ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટ સામે ઝઝુમી રહી છે. આ કંપનીના સ્ટાફને પણ છેલ્લા ત્રણ મહિનાથી સેલેરી મળી નથી. જેના કારણે તેમને પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૬ માર્ચ, ૨૦૧૯નો દિવસ જેટ એરવેઝના કેપ્ટન અમિત રાય (નામ બદલાયેલું) માટે ભૂલી શકાય તેમ નથી. સવારે તેમને વોટ્સએપ ગ્રુપમાં એરક્રાફ્ટ એન્જિનીયર (AME)તરફથી એક મેસેજ મળ્યો હતો. જેમાં તેમણે તેમના દીકરાને અપ્લાસ્ટિક એનીમિયા હોવાથી નાણાકીય સહાયની માગ કરી હતી. આ એક એવી બીમારી છે જેમાં માનવ શરીર નવા બ્લડ સેલ્સનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે.

'એન્જિનીયર તરફથી મેસેજ મળ્યા બાદ મેં HR નેમારી ત્રણ મહિનાથી બાકી સેલેરી આપવાની માગ કરી હતી. જે હજુ સુધી મળી નથી. સૂચવેલી સારવારમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થાય છે, અને આ ટ્રીટમેન્ટ કરાવવાના ૨૫ લાખ રૂપિયા થાય છે. તેના આવા સંકટના સમયમાં હું મદદ કરી શકું તેમ ન હોવાથી મેં મારા બીજા સહયોગીઓને આ વિશે વાત કરી હતી અને બની શકે એટલી મદદ કરવા માટે અપીલ કરી હતી.' મેનેજમેન્ટ અને પાયલોટ દ્વારા ફંડ એકઠું કરાયા બાદ પણ બાળકને બચાવી શકાયો નહીં.

૧૪ હજાર જેટલા લોકોને રોજગારી પૂરી પાડતી કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. જાન્યુઆરી મહિનાથી ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારીઓને પગાર ચૂકવ્યો નથી જયારે માર્ચ મહિનાથી તમામ કર્મચારીઓને પગાર ચૂકવવાનું બંધ કરી દીધું છે. દિલ્હી એરપોર્ટ પર જેટના લોડર સુપરવાઈઝર તરીકે કામ કરતાં ૪૫ વર્ષના કર્મચારી સુખબિર સિંહે કહ્યું કે, શ્નમારી આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી છે. મારે મારી દીકરીના કોચિંગ કલાસ માટે ફી ભરવાની હતી જેથી તે લોમાં એડમિશન મેળવી શકે. જો કે મારા દીકરાની સ્કૂલની ફી ભરવા માટે તે પૂરતી નથીલૃ. આ નોકરી છોડી દેવી તે પણ એક વિકલ્પ નથી કારણ કે નોકરીની શોધ કરી રહેલા લોકોની સંખ્યામાં વધારો થતાં પગાર પહેલેથી ઓછો છે. 'જે લોકો બીજી એરલાઈન્સમાં ગયા છે તેમને અહીંયા કરતા પણ અડધો પગાર મળ્યો છે તેમ સુખબિર સિંહે જણાવ્યું.'

કાયમી કર્મચારીઓ સિવાય જેટ એરવેઝ, કોન્ટ્રાકટ પરના ૬ હજાર કરતાં પણ વધારે કર્મચારીઓને રોજગારી આપે છે. તેમને સૌથી વધારે ફટકો પડી શકે છે તેમ ટાર્ગેટ હોસ્પિટાલિટીના મેનેજિંગ ડાયરેકટર દીપક ગાયકવાડે જણાવ્યું. ટાર્ગેટ હોસ્પિટાલિટી મુંબઈ સહિતના પાંચ એરપોર્ટ પર ૧૨૦૦ કોન્ટ્રાકટ પરના કર્મચારીઓ જેટ એરવેઝને આપ્યા છે. દીપક ગાયકવાડે કહ્યું કે, 'નાના એવા ગામમાંથી પણ લોકો અમારી સાથે જોડાય છે કારણ કે એરલાઈનની નોકરીને પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે'. આવા કર્મચારીઓ સાહર, કુર્લા, અંધેરી જેવા વિસ્તારમાં રહે છે અમે મહિને ૧૪ હજાર રૂપિયા કમાય છે.

છેલ્લા બે વર્ષથી આ એરલાઈન્સમાં પાયલટ તરીકે જોડાયા છે તેમને પગારનો ચેક ન મળતા ઈએમઆઈ પણ ભરી શકતા નથી. જૂન ૨૦૧૭માં શરુ થયેલા જેટ કેડેટ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ કોમર્શિયલ પાયલોટ લાયસન્સ મેળવવા માટે ૮૮ લાખ રૂપિયા જેટલી મોટી ફી ચૂકવે છે જે બાદ તેમને બોઈંગ ૭૩૭ હેઠળ વિમાનના ઉડાન માટે તાલીમ આપવામાં આવે છે. કમાન્ડરે કહ્યું કે, 'હું દ્યણા એવા વિદ્યાર્થીઓને ઓળખું છું જેઓ તેમના પરિવારના બધી બચતથી કેડેટ પ્રોગ્રામમાં જોડાય છે. જે બાદ છેલ્લા એક-બે વર્ષમાં જેટ દ્વારા ભરતી કરાયેલા કેટલાક એવા કોમર્શિયલ પાયલટ લાયસન્સ હોલ્ડર છે જેમણે ખાસ પ્રકારની તાલીમ મેળવવા માટે ૩૫ લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ બે કેટેગરી એવી છે જેમને પૈસા પાછા મળશે નહીં, તેમને પગાર પણ નહીં મળે પરંતુ તેમના પર દેવું જરૂરથી થશે.'

સૌથી ખરાબ વાત છે કે તેમાંથી મોટો ભાગનાએ ૭૦૦થી ૯૦૦ કલાક કરતાં વધુ સમય માટે જેટ ફ્લાઈટની ઉડાન ભરી નથી. 'તેમાંથી કોઈને નોકરી કે એરલાઈન ટ્રાન્સપોર્ટ પાયલટ લાયસન્સ મળશે નહી કારણ કે તે માટે ૧૫૦૦ કલાકનો અનુભવ હોવો જરૂરી છે. પછી ભલે તે પ્રથમ અધિકારીની નોકરી માટે હોય' તેમ કમાન્ડરે જણાવ્યું. ૫મી મે, ૧૯૯૩ના રોજ ઉડાન ભર્યાના થોડા સમય બાદ જેટમાં સામેલ થયેલા અભિજિત અંગોલકરે આશા છોડી નથી. તેમણે કહ્યું કે, 'માર્કેટમાં જોબ નથી અને જે લોકો બીજે નોકરી માટે જઈ રહ્યા છે તેમને વર્તમાન કરતાં અડધો પગાર મળી રહ્યો છે. તેમ છતાં બધા લોકો કામ પર આવી રહ્યા છે, કારણ કે તેમને આશા છે કે જેટ ફરી એક વખત ઊભુ થશે.'

જેટ બોઈંગ ૭૭૭ના કેપ્શન અસિમ વલ્લાણી (નામ બદલાયેલું છે) કહ્યું કે, 'જેટ નામચીન હોવા છતાં નિષ્ફળ જવી તે એક મોટી વાત છે. આ પહેલા પણ અમે કંપની પર આવેલા સંકટને જોયું છે, પરંતુ દરેક વખતે ચેરમેન પગલા લેતા હતા અને બચી જતા હતા.'

(3:53 pm IST)