Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ભારતીય રાજનીતિનું અલગ સ્વરૂપ

હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા થરૂરની ખબર કાઢવા પહોંચ્યા નિર્મલા સીતારામન

કાંચી, તા. ૧૬ :  લોકસભાની ચૂંટણીમાં નેતાઓ વચ્ચે વાર-પલટવારમાં નિમ્ન સ્તરની ભાષાઓનો પ્રયોગ થઈ રહ્યો છે. તત્કવિહોણા અને વાંધાજનક નિવેદનો કરવાની તો જાણે હરીફાઈ લાગી છે. પરંતુ આ દ્યટનાક્રમ વચ્ચે રાજકીય હુંસાતુંસીને બાજુ પર મુકી એક સકારાત્મક ઉદાહરણ પણ સામે આવ્યું છે. કેરળની રાજધાની તિરૂવનંતપુરમની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોંગ્રેસના નેતા શશિ થરૂરને મળવા અચાનક મોદી સરકારમાં સંરક્ષણ મંત્રીની જવાબદારી અદા કરી રહેલા નિર્મલા સીતારમણ પહોંચતા ભારતીય રાજનીતિનું એક અલગ જ રૂપ જોવા મળ્યું હતું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તિરૂવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ ગઈ કાલે સોમવારે એક મંદિરમાં દર્શન કરતી વખતે દ્યાયલ થઈ ગયાં હતાં. થરૂરને માથાના ભાગે ૬ ટાંકા આવ્યા હતાં. જેને લઈને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકીય પ્રતિસ્પર્ધી એવા શશિ થરૂરને મળવા નિર્મલા સિતારમન અચાનક હોસ્પિટલ પહોંચીએ ગયાં હતાં. તેમણે થરૂરના હાલચાલ પુછ્યાં હતાં. શશિ થરૂરે આ મુલાકાતનો ફોટો શેર કરતા સીતારમણના વખાણ કર્યા હતાં.

 થરૂરે ટ્વિટમાં લખ્યું હતું કે – નિર્મલા સીતારમણનું અહીં આવવું ખરેખર મારા હ્યદયને સ્પર્શી ગયું. કેરળમાં પોતાના વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમ વચ્ચે આજે સવારે હોસ્પિટલ પહોંચીને તેમણે મારા ખબર અંતર પુછ્યાં. ભારતીય રાજનીતિમાં શિષ્ટાચાર એક દુર્લભ ગુણ છે. તેમને તેનું શાનદાર ઉદાહરણ પુરૂ પાડતા ખુબ જ સારૂ લાગી રહ્યું છે.

શશિ થરૂર ગઈ કાલે ચૂંટણી પ્રચાર માટે તેઓ કેરળના એક મંદિરમાં તુલાભરમ પૂજા કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન શશિ થરૂર મંદિરમાં જ પડી ગયાં હતાં. જેમાં તેઓ લોહી લૂહાણ થઈ ગયાં હતાં. તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જયાં તેમને ૬ જેટલા ટાંકા આવ્યા હતાં. જોકે તબિબોના જણાવ્યા પ્રમાણે થરૂર ખતરાથી બહાર છે.

શશિ થરૂર પર આ વખતે તિરૂવનંતપુરમથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર છે. આ સીટથી બે વાર કોંગ્રેસના સાંસદ રહી ચુકેલા થરૂરનો મુકાબલો ભાજપના નેઆ અને મિઝોરમના પૂર્વ રાજયપાલ કુમ્મનેમ રાજશેખરન અને સીપીઆઈ ધારાસભ્ય અને રાજયના પૂર્વ મંત્રી સી. દિવાકરન સામે છે.

(3:46 pm IST)