Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કેન્દ્રીય મંત્રી પાસવાને કહ્યું બિહાર ચૂંટણીમાં ભાષા પર કાબુ રાખજો

ભાજપનું નામ લીધા વિના આપી ચેતવણી : કહ્યું ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પાર લડવી જોઈએ

નવી દિલ્હી : ભાજપમાં અંદરખાને દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરાજયને  તેમના નેતાઓએ આપેલા વિચિત્ર નિવેદનોને જવાબદાર ગણાવે છે. સાથે ભાજપની સહયોગી પાર્ટીઓમાં પણ હવે સળવળાટ ઉભો થયો છે. કેન્દ્રીય મંત્રી અને લોજપાના નેતા રામવિલાસ પાસવાને આ તરફ ઈશારો કર્યો છે.

      પાસવાને ભાજપનું નામ લીધા વિના કહ્યું હતું કે, બિહાર ચૂંટણીમાં ભાષા પર કાબૂ રાખજો. એક ઈંટરવ્યુમાં પાસવાને જણાવ્યું હતું કે, બિહાર વિધાનસભા ચૂંટણી વર્ષના અંત સુધીમાં આવી જશે. આ ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાવી જોઈએ, દરમિયાન અહીં ભાષાની પણ મર્યાદા જળવાવી જોઈએ.

    જો કે, પાસવાને એવું પણ કહ્યું હતું કે, બિહારમાં એનડીએનું ગઠબંધન અતૂટ છે. તેમણે વિપક્ષી પાર્ટીઓને ડૂબતુ જહાજ ગણાવી, એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે, તેવું જણાવ્યું હતું. જ્યારે દિલ્હી ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાબતે પુછવામાં આવ્યું તો, તેમણે જણાવ્યું કે, આ બાબતે અમિતભાઈ  શાહે પણ સ્પષ્ટતા કરી છે. સાથે જ લોજપા નેતાએ પણ પોતાનો મત આ બાબતે સ્પષ્ટ કરી દીધો હતો.

(9:02 pm IST)