Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કોરોના ઇફેક્ટ : દવાઓની કટોકટી થાય તેવી સંભાવના

ચીનમાં શટડાઉન જારી રહેશે તો ભારતને અસર : કેટલીક ખુબ મહત્વપૂર્ણ દવાઓ માટે ઉપયોગી ચીજવસ્તુ મોટાભાગે ચીનમાંથી આવે છે : સાવચેતીના બધા પગલા

નવી દિલ્હી, તા. ૧૬ : ચીનમાં કોરોના વાયરસના ભીષણ પ્રકોપથી ભારતમાં કેટલીક ખુબ જ જીવનજરૂરી દવાઓની કટોકટી થવાની શક્યતા દેખાઈ રહી છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીએ કહ્યું છે કે, ચીનથી ક્રૂડના પુરવઠાને જો બે મહિના સુધી અસર થશે તો ભારતમાં કેટલીક ખુબ મહત્વપૂર્ણ દવાઓને અસર થશે. પેરાસિટામોલ, આઈબુપ્રોફેન તથા કેટલીક એન્ટીબાયોટિક્સ તથા ડાયાબિટીસની દવાઓના ઉત્પાદન પર અસર થઇ શકે છે. વાયરસના પરિણામ સ્વરુપે સ્માર્ટફોન તથા સોલારના સાધનોના ઉત્પાદન તથા પુરવઠાને પહેલાથી જ માઠી અસર થઇ છે. ફિક્કીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, ભારતીય દવા કંપનીઓ સામાન્યરીતે ક્રૂડનો બે મહિના સુધી ચાલે તે પ્રકારે સ્ટોક રાખે છે. જો કે, હાલમાં કોઇ પરેશાની નથી પરંતુ જો સમસ્યા રહેશે તો અસર થઇ શકે છે. ઉદ્યોગ સંગઠનનું કહેવું છે કે, જો કોરોના કારણે ચીનમાં શટડાઉન માર્ચ મહિનામાં પણ જારી રહેશે તો ભારતમાં તૈયાર કરવામાં આવેલી દવાઓની કિંમતમાં વધારો થઇ શકે છે. ભારતમાં દવાઓના ઉત્પાદન માટે ૭૦ ટકા કાચી ચીજવસ્તુઓ ચીનમાંથી આવે છે. કેટલીક દવાઓનો પુરવઠો ઝડપથી ઘટી રહ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, કંપનીઓની પાસે એપ્રિલ સુધી ચાલે તે રીતે દવાઓના પુરતા પ્રમાણમાં સ્ટોક છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય દ્વારા આની ખાતરી કરવા માટે એક યોજના હાથ ધરી છે. આગામી ૧૫ દિવસ સુધી ચીનમાં લોકડાઉનની સ્થિતિ રહેશે તો દવાઓની કોઇ તકલીફ ન પડે તે માટે આયોજન થઇ રહ્યા છે. સરકારે કેટલીક દવાઓની ઓળખ કરી છે

        જેના એપીઆઈના મુખ્ય સોર્સ હુબેઈ પ્રાંતમાં છે. હુબેઈ હાલમાં દુનિયામાં વાયરસના મુખ્ય કેન્દ્ર તરીકે છે. ફિક્કીના કહેવા મુજબ પેનિસિલિન તથા તેની સાથે જોડાયેલી અન્ય દવાઓના ઉત્પાદન માટે ૯૦ ટકા કાચી ચીન વસ્તુઓ ચીનથી આવે છે. ચીનના હુબેઈથી ૯૪ લોકોના મોતની સૂચના સામે આવ્યા બાદ ત્યાં કોરોના વાયરસની મહામારીથી મરનાર લોકોની સંખ્યા ૧૧૧૦ સુધી પહોંચી ગઈ છે. એપીઆઈની વાત કરવામાં આવે તો એક્ટિવ ફાર્મા ઘટકો તરીકે છે. એપીઆઈના સોર્સના સંદર્ભમાં કેટલાક અહેવાલ આવી ચુક્યા છે. કવરેજની તારીખની વાત કરવામાં આવે તો દવાઓનો પુરવઠો ઝડપથી ખુટી રહ્યો છે. ચીનમાં વાયરસથી મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.

(8:01 pm IST)