Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

મહારાષ્‍ટ્રના નાસિકના જિલ્લાના લાસલગાંવ બસ સ્ટેન્ડ પર ત્રણ અજાણ્યા શખ્સોએ ૩પ વર્ષીય મહિલા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવીઃ મહિલાની હાલત ગંભીર

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મહિલા પ્રોફેસર પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દેવાની હૃદય કંપાવી દેનારી ઘટનાના એક સપ્તાહ બાદ જ આવી જે એક બીજી ઘટના સામે આવી છે. રાજ્યના નાસિક જિલ્લામાં લાસલગાંવ બસ સ્ટેન્ડ પર શનિવારે ત્રણ અજાણ્યા લોકોએ 35 વર્ષીય મહિલા પર પેટ્રોલ છાંટી આગને હવાલે કરી દીધી. ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસ મુજબ શનિવાર સાંજે લગભગ 5 વાગ્યે જાણકારી મળી કે નાસિક જિલ્લાના લાસલગાંવ બસ સ્ટેન્ડ પર એક મહિલાને કેટલાક લોકોએ જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ત્રણ લોકો મહિલાની પાસે પહોંચ્યા અને તેઓએ તેની પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. મહિલાને તાત્કાલીક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ મહિલા 67 ટકા દાઝી ગઈ છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મહિલાના પતિનું મોત થઈ ચૂક્યું છે. પોલીસ ઘટનાના કારણો જાણવા માટે પ્રયાસ કરી રહી છે. પોલીસ આરોપીઓ વિશે જાણકારી એકત્ર કરવા અને તેમની ઓળખ માટે પીડિતાનું નિવેદન નોંધી રહી છે.

આ પહેલા હાલમાં જ રાજ્યના વર્ધા જિલ્લામાં 25 વર્ષીય કૉલેજ લેક્ચરરને પણ આગળના હવાલે કરવાની ઘટના સામે આવી હતી. તેના સાત દિવસ સુધી જિંદગીની જંગ લડ્યા બાદ 10 ફેબ્રુઆરીએ નાગપુરમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

(11:42 am IST)