Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ફરી અરવિંદ કેજરીવાલની તાજપોશી કરાઇ

ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે લોકો ઉમટ્યા : અરવિંદ કેજરીવાલની સાથે અન્ય છ પ્રધાનોએ પણ હોદ્દા તેમજ ગુપ્તતાના શપથ લીધા : એલજીએ લેવડાવેલા શપથ

નવીદિલ્હી, તા. ૧૬ : છેલ્લા દશકની શરૂઆતમાં ભ્રષ્ટાચારની સામે આંદોલનથી નાયક બનીને ઉભરેલા અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઐતિહાસિક રામલીલા મેદાન પર આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સમર્થકોની ઉપસ્થિતિમાં એલજી અનિલ બેજલે કેજરીવાલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે અન્ય છ મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટે શપથ લઇને કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. શિલા દિક્ષિતની અવધિ ૧૫ વર્ષ સુધી ચાલી હતી. ૨૦૧૨માં આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવ્યા બાદ કેજરીવાલ રાજનીતિમાં ઉતર્યા હતા. કેજરીવાલે હજુ સુધી પાંચ વર્ષ ૪૯ દિવસ સુધી શાસન કર્યું છે. ૨૦૧૩ અને ૨૦૧૫માં પણ શપથ લીધા હતા. પ્રથમ વખત તેમની સરકાર કોંગ્રેસના સહકારથી ૪૯ દિવસ ચાલી હતી. બીજી વખત ચૂંટણીમાં કેજરીવાલે ૬૭ સીટો જીતીને વાપસી કરી હતી. આ વખતે ૬૨ સીટો જીતીને સપાટો બોલાવ્યો છે. કેજરીવાલે પોતાના કેબિનેટમાં કોઇ ફેરફાર કર્યા નથી.

                 કેજરીવાલની સાથે મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, રાજેન્દ્ર પાલ અને ઇમરાન હુસૈને શપથ લીધા હતા. જો કે, મંત્રાલયની ફાળવણી હજુ કરવામાં આવી નથી. શપથગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ શપથવિધિમાં ભાગ લેવા માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી, દિલ્હીના સાતેય સાંસદો, ભાજપના આઠ ચૂંટાયેલા ધારાસભ્યો અને તમામ નગરનિગમના કોર્પોરેટરોને આમંત્રણ આપ્યા હતા પરંતુ માત્ર વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા હતા. પાર્ટીના ચૂંટણી પરિણામના દિવસે એએપીની ઓફિસમાં કેજરીવાલ પોતાના પિતાની સાથે જુના ગેટઅપમાં પહોંચ્યા હતા. દિલ્હી શાસનમાં યોગદાન આપનાર જુદા જુદા ક્ષેત્રોના ૫૦ પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા હતા. રામલીલા મેદાન પર શપથવિધિને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવામાં આવી હતી. ૫૦૦૦ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. તમામની ગતિવિધિ પર નજર રાખવા માટે ૧૨૫ સીટીટીવી કેમેરા અને ૧૨ એલઇડી સ્ક્રીન મુકવામાં આવ્યા હતા. ૪૫૦૦૦ લોકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિલ્હીમાં પરિવહન વ્યવસ્થાને અસર ન થાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યા હતા.

હમ હોંગે કામયાબ ગીત અરવિંદ કેજરીવાલે ગાયુ.........

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મદદ લેવાશે

નવીદિલ્હી, તા. ૧૬ : દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે આજે શપથ લીધા હતા. શપથવિધિ બાદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મદદ લેવામાં આવશે. તેમના આશીર્વાદ પણ લેવામાં આવશે. કેજરીવાલને નાયબ રાજ્યપાલ અનિલ બેજલે શપથ અપાવ્યા હતા. શપથ બાદ કેજરીવાલે પોતાના વચનોને પૂર્ણ કરવા માટે પુરી તાકાત લગાવી દેવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર લોકોના હિતમાં કામ કરવા માટે કટિબદ્ધ છે. શપથવિધિ બાદ હમ હોંગે કામયાબ ગીત પણ કેજરીવાલે ગાયું હતું. આ ગાળા દરમિયાન કેજરીવાલના સમર્થકો ભારે રોમાંચિત થયા હતા. હાલમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલે જોરદાર સપાટો બોલાવીને મોટાભાગની સીટો જીતી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી હોવા છતાં તેને માત્ર આઠ સીટથી સંતોષ માનવાની ફરજ પડી હતી.

(7:55 pm IST)