Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

જયપુરના ઇન્દિરા બજારમાં ફટાકડાની દુકાનમાં આગ ભભૂકી :આસપાસની અનેક દુકાનો -વાહનો બળીને ખાખ

જયપુરના ઈન્દિરા બજારમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા ફટાકડાઓની ઝપટમાં આવેલી અનેક દુકાનો અને વાહનો બળીને ખાખ થયા હતા 

મળતી વિગત મુજબ રાજસ્થાનની રાજધાની જયપુરના ઈન્દિરા બજારમાં શનિવારે બપોરે ફટાકડાની એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી.બાદ દુકાનમાંથી ફટાકડા ફુટવા માંડ્યા હતા. રોકેટ અને હવાઈ આતશબાજીએ આસપાસની દુકાનોને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. સાથે જ દુકાનોની બહાર પાર્ક કરવામાં આવેલ વાહનો પણ તેની ચપેટમાં આવી ગયા હતા અને એક ડઝન કરતા વધુ વાહનો સળગી ગયા હતા.

 આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના દુકાનદારોએ દુકાન બંધ કરી દીધી હતી. જોત જોતામાં જયપુરના પરકોટા સ્થિત ઈન્દિરા બજાર આખું બંધ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકોએ ડોલ વડે પાણી નાંખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આગના કારણે કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચવાના સમાચાર છે.

 ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડે અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ફેલાતી અટકાવવા માટે થોડીવાર સુધી વીજળીની સપ્લાય પણ બંધ કરી દેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જયપુરની પરકોટા સૌથી વધુ ભીડભાડવાળી જગ્યાઓમાંથી એક છે. દુકાનમાં અચાનક આગ લાગવાને કારણે જીવ બચાવીને દુકાનના કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ અને આજુબાજુની દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી. આસપાસના લોકોએ ડોલની મદદથી પાણી નાંખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમા તેમને સફળતા નહોતી મળી. ઘટના સ્થળે પહોંચેલા લાશ્કરોએ  ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

(12:00 am IST)