Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

તાકાત હોય તો રાષ્ટ્રગાન બદલીને બતાવે ભાજપ : પીએમ મોદીને સ્વામીના પત્ર પર મમતાનો પડકાર

જો આ રીતનું દુસાહસ કરવામાં આવશે તો રાજ્યના લોકો જડબાતોડ જવાબ આપશે,

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપને પડકાર ફેક્તા કહ્યુ કે તે રાષ્ટ્રગાન બદલીને બતાવે, તેમણે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા વડાપ્રધાન મોદીને લખેલા પત્રના સંદર્ભમાં આ વાત કહી છે. મમતાએ એક સભામાં કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં શરણાર્થીઓની કોલોનીને માન્યતા આપવામાં આવી છે, NRC, NPR અથવા CAAથી ડરવાની જરૂર નથી, તેમણે ભાજપને નિશાન પર લેતા કહ્યુ કે ભગવા દળે સમુદાયો વચ્ચે રમખાણ અને નફરતને નવો ધર્મ બનાવ્યો. ભાજપ ક્યારેય પણ ગોરખાલેન્ડ મુદ્દે કોઇ સ્થાઇ સમાધાન શોધી નથી શકતી, માત્ર તૃણમૂલ કોંગ્રેસ આવુ કરી શકે છે.

રાષ્ટ્રગાન બદલવાને લઇને ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા તાજેતરમાં વડાપ્રધાનને લખેલા પત્રનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ” જો આ રીતનું દુસાહસ કરવામાં આવે છે તો રાજ્યના લોકો જડબાતોડ જવાબ આપશે, તેમણે કહ્યુ, તે અમારા દેશના ઇતિહાસને બદલવા માંગે છે અને હવે રાષ્ટ્રગાન પણ બદલવા માંગે છે.”

મંગળવારે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે તે IPS અધિકારીઓને પોતાની અંદર સેવા આપવા માટે બોલાવીને રાજ્યના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી રહી છે. મમતા બેનરજીએ કેન્દ્ર સરકારને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો પડકાર પણ આપ્યો હતો અને પશ્ચિમ બંગાળને રમખાણ પ્રભાવિત ગુજરાતમાં બદલવાના પ્રયાસ કરવાની ટિકા કરી હતી.

મમતા બેનરજીએ કહ્યુ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો કરવામાં નથી આવ્યો અને આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે દોષી ઠેરવવામાં આવેલા ગુનેગાર તેમની સાથે કેમ હતા. મમતા બેનરજીએ કહ્યુ, જો ભાજપ અને કેન્દ્ર સરકાર વિચારે છે કે તે કેન્દ્રીય દળને અહી લાવીને અને રાજ્ય કેડરના અધિકારીઓની બદલી કરાવી અમને ડરાવી દેશે તો તે ખોટુ વિચારી રહ્યા છે. કેન્દ્ર અમારા અધિકારીઓને બોલાવી રહ્યુ છે…કોઇ પણ તેમણે (નડ્ડા) અથવા તેમના કાફલાને ઇજા પહોચાડવા માંગતો નહતો.

મમતાએ કહ્યુ, “તેમના કાફલામાં આટલી કારો કેમ હતી? દોષી ગુનેગાર તેમની સાથે કેમ હતા? જે ગુંડાએ ગત વર્ષે ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી, તે પણ નડ્ડા સાથે હતા..આ રીતના ગુંડાને ખુલ્લો ફરતો જોઇ લોકો ગુસ્સે થયા હતા…હું કેન્દ્રને પડકાર આપુ છું કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવીને બતાવે.”

(9:30 pm IST)