Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પ્રજાસત્તાક દિનના સમારોહમાં યુકેના વડાપ્રધાન મુખ્ય અતિથિ

જ્હોન્સનની ઑફિસ તરફથી નિવેદન જાહેર કરાયું : ભારતે મોકલેલા આમંત્રણનો સ્વિકાર કર્યાની બ્રિટિનના વિદેશ સચિવની જાહેરાત, બોરિસ જ્હોનસને ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. ૧૫ : ભારતે પોતાના આગામી પ્રજાસત્તાક દિવસ માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને સમારંભના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ મોકલ્યું હતુ, જેનો જ્હોન્સને સ્વીકાર કર્યો છે. બોરિસ જ્હોન્સન ૨૬ જાન્યુઆરીના ભારતના ગણતંત્ર દિવસના સમારંભમાં ભાગ લેશે. બ્રિટિશ વિદેશ સચિવ તરફથી મંગળવારના આની જાહેરાત કરવામાં આવી. ન્યૂઝ એજન્સી પ્રમાણે જ્હોન્સનની ઑફિસ તરફથી તેમનું નિવેદન જાહેર કરવામાં આવ્યું, જેમાં તેમણે ભારત આવવાને લઇને ઉત્સાહ વ્યક્ત કર્યો. સત્તાવાર નિવેદનમાં તેમણે કહ્યું કે, હું આવતા વર્ષે ભારત જવાને લઇને ઘણો જ ખુશ છું. આ ગ્લોબલ બ્રિટન માટે એક ઉત્સાહજનક વર્ષની શરૂઆત છે. હું ભારતની સાથે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કરવામાં આવેલા વાયદાને પૂર્ણ કરવા માટે ઉત્સુક છું. બોરિસ જ્હોન્સનની બ્રિટનની સત્તા સંભાળ્યા બાદ આ પહેલી ભારત યાત્રા હશે.

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનું દેશના પ્રજાસત્તાક દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાનું નિમંત્રણ સ્વીકારવું ભારત અને બ્રિટનના સંબંધોમાં નવા યુગનું પ્રતીક હશે. ભારત દર વર્ષે પોતાના સ્વતંત્રતા દિવસ પર વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો અને મહેમાનોને આમંત્રિત કરે છે, પરંતુ કોરોના વાયરસના કારણે આ વખતે બધું જ બદલાઈ ચુક્યું છે.

સ્વતંત્રતા દિવસ ઘણી સાદગી અને મહત્વના બદલાવની સાથે મનાવવામાં આવ્યો હતો. આવામાં એ જોવાનું રહેશે કે, હવે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ઘણો જ ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગણતંત્ર દિવસ પર કોઈ છૂટ આપવામાં આવશે કે પછી હજુ પણ સ્વંત્રતા દિવસની માફક જ ઉજવણી થશે.

(8:24 pm IST)