Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ઉત્તરપ્રદેશની જનતા ત્‍યાંની પાર્ટીઓથી હવે ધરાઇ ગઇ છે અને હવે તેમને વિકલ્‍પની જરૂર છેઃ 2022માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અમે લડીશુઃ અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે. કેજરીવાલે કહ્યું કે, ઉત્તર પ્રદેશની જનતા ત્યાંની પાર્ટીઓથી હવે ધરાઈ ગઈ છે અને હવે તેમને વિકલ્પની જરૂરત છે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમને જનતાએ ત્રણ વખત મુખ્યમંત્રી બનાવ્યા. પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ઉત્તર પ્રદેશના લોકો દિલ્હીમાં મોટી સંખ્યામાં રહે છે. લોકો અમારી પાસે આવીને આગ્રહ કરે છે કે, ઉત્તર પ્રદેશમાં પણ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ, કારણ કે ત્યાંની પાર્ટીથી લોકો ધરાઈ ચૂક્યાં છે.

ઉત્તર પ્રદેશના લોકોને એજ્યુકેશન અને હેલ્થ માટે દિલ્હી સુધી કેમ દોડવું પડે છે? જો દિલ્હીની સરકારી હોસ્પિટલો સૌથી શ્રેષ્ઠ થઈ શકે છે, તો ઉત્તર પ્રદેશની કેમ નહી? દિલ્હીની સરકારી સ્કૂલ શ્રેષ્ઠ થઈ શકે છે, તો ઉત્તર પ્રદેશની કેમ ના થઈ શકે? ઉત્તર પ્રદેશમાં વીજળી બિલ કેમ ઓછુ ના થઈ શકે?

કેજરીવાલે વધુમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશની ભ્રષ્ટ રાજનીતિના કારણે ત્યાં વિકાસ નથી થઈ શકતો. આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશમાં સાચા ઈરાદા સાથે કામ કરશે. સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી હોતી, પરંતુ ઈરાદા અને ઈમાનદારીની કમી હોય છે.

દિલ્હીના લોકોને પ્રામાણિક સરકાર, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધા અને બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણની જરૂર હતી. આથી જ દિલ્હીના લોકોએ સતત ત્રણ વખત આમ આદમી પાર્ટીની સરકારને ચૂંટી છે. આવું એટલા માટે થયું, કારણ કે દિલ્હીના લોકોએ પ્રથમ વખત કામ થતું જોયું છે. આજે દરેક યુપી વાસી પણ પ્રામાણિક સરકાર ઈચ્છે છે, જે માત્ર આમ આદમી પાર્ટી જ આપી શકે છે. આથી જ AAP 2022ની વિધાનસભા ચૂંટણી લડશે.

(5:21 pm IST)