Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ટ્રેનમાં સૌથી છેલ્લે હવે નહીં હોય ગાર્ડનો ડબ્બો

ભારતીય રેલવેની કેટલીક સિસ્ટમ અંગ્રેજના જમાનાથી ચાલી આવી રહી છે. જેમાં મોટા ફેરફારની તૈયારી થઈ ચૂકી છે

નવી દિલ્હી,તા. ૧૫:  ભારતીય રેલવે જલ્દી ટ્રેનોમાં સૌથી છેલ્લે રહેતા ગાર્ડના ડબ્બાને હટાવવા જઈ રહ્યું છે. તેની શરૂઆત માલગાડીઓથી કરવામાં આવશે. સૂત્રોના મતે આ પ્રયોગ સફળ રહ્યો તો પેસેન્જર ટ્રેનોમાંથી પણ ગાર્ડ વેન હટાવીને ત્યાં નવી ટેકનિકની મશીન લગાવવામાં આવશે.

ભારતીય રેલવેની કેટલીક સિસ્ટમ અંગ્રેજાના જમાનાથી ચાલી આવી રહી છે. જેનાં સૌથી મોટા ફેરફારની તૈયારી થઈ ચૂકી છે. રેલવે હવે પોતાની ટ્રેનોથી ગાર્ડના કોચને હટાવીને ત્યાં ખાસ મશીન લગાવવા જઈ રહ્યું છે. આ મશીન ટ્રેનના છેલ્લા કોચ સાથે ફિટ કરવામાં આવશે. જે સિગ્નલ દ્વારા લોકો પાયલોટને બધી મહત્વની જાણકારી આપતું રહેશે. આ કામ અત્યાર સુધી ટ્રેનના અંતિમ કોચમાં ડ્યૂટી કરી રહેલા ગાર્ડનું હોય છે. ગાર્ડની લીલી ઝંડી પછી જ ટ્રેન પ્લેટફોર્મથી રવાના થાય છે.

સોમવારે આવી ૫ મશીનોનું ટ્રાયલ ઇસ્ટ કોસ્ટ રેલવેમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનો અમેરિકાથી મંગાવવામાં આવી છે. શનિવારે આવા એક મશીનને ટ્રેન સાથે ફિટ કરી તેને ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ તલચરથી પારાદીપ વચ્ચે કરવામું આવ્યું છે. આ દરમિયાન મશીને બધી જાણકારી યોગ્ય સમયે લોકો પાયલોટ સુધી પહોંચાડી હતી. હવે આ મશીનનો ટ્રાયલ પણ વધારવામાં આવી રહ્યો છે. તેને EOTT (End of Train Telemetry)ટ્રાયલ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેનના અંતિમ કોચ અને એન્જીન વચ્ચે કમ્યુનિકેશનનું કામ કરે છે.

રેલવેએ બનારસ લોકોમોટિવ વકર્સે આવા ૨૫૦ મશીનોનો ઓર્ડર વિદેશની એક કંપનીને આપ્યો છે. આ પ્રોજેકટને રેલવે તરફથી પહેલા જ લીલી ઝંડી મળી ગઈ છે. ૧૦૦ કરોડના આ પ્રોજેકટ પૂરો થવા પર રેલવેને ઘણા સ્તર પર ફાયદો થવાનો છે.

સૌથી પહેલા તો દર વખતે ટ્રેન રવાના થતા પહેલા ગાર્ડને આપવામાં આવતા ટ્રેનના ફિટનેસ સર્ટિફિકેટની પરંપરા બંધ થશે. આ સર્ટિફિકેટ પહેલા ડ્રાઇવર અને પછી ગાર્ડને આપવામાં આવે છે. આ પછી જ ગાર્ડ ટ્રેનને હરી ઝંડી આપે છે. આ સિવાય એકસ્ટ્રા કોચનો પણ ફાયદો થશે. ગાર્ડ કોચના બદલે માલગાડીઓમાં એક ફુલી લોડેડ વેગન લગાવી શકાશે.

(10:14 am IST)