Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ખેડૂત આંદોલનની આડમાં એરટેલ-વોડા આઈડિયા કરી રહ્યા છે ખોટો પ્રચાર : જિયોનો આરોપ : ટ્રાઇને લખ્યો પત્ર

ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે અનૈતિક રસ્તાઓ અપનાવી રહ્યા છે

મુંબઈ : રિલાયન્સ જિયોએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)માં પત્ર લખીને વોડાફોન-આઈડિયા અને એરટેલ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી છે. રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યા છે કે વોડા-આઈડિયા અને એરટેલ પંજાબમાં ખેડૂત આંદોલનનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ટેલિકોમ સચિવ એસકે ગુપ્તાને લખેલ પત્રમાં રિલાયન્સ જિયોએ વોડા-આઈડિયા અને એરટેલ સામે આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે તે ટ્રાઈના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

જિયોએ આરોપ લગાવ્યો છે કે વોડા-આઈડિયા અને એરટેલ ઉત્તર ભારતના જુદા જુદા વિસ્તારોમાં ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે અનૈતિક રસ્તાઓ અપનાવી રહ્યા છે. ખેડૂત આંદોલનને કારણે ઉભા થયેલા આક્રોશનો ફાયદો ઉઠાવવા માટે કંપનીઓ ખોટા પ્રચાર નો સહારો લઇ રહી છે. જિયોનું કહેવું છે કે 28 સપ્ટેમ્બરના રોજ એક પત્ર લખી વાંધો વ્યક્ત કર્યો હતો તેમ છતાં આ બંને કંપનીઓ નિયમોની ઘોળીને પી ગઈ છે અને નકારાત્મક પ્રચાર કરી રહી છે.

રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો છે કે આ બંને પ્રતિસ્પર્ધી કંપનીઓ પોતાના કર્મચારીઓ, એજન્ટો અને રિટેલર્સ દ્વારા રિલાયન્સ વિરુદ્ધ નકારાત્મક પ્રચાર અભિયાન ચલાવી રહી છે. જેને કારણે તેમની છબીને નુકશાન પહોંચ્યું છે. ગ્રાહકોને ખોટી રીતે લલચાવી રિલાયન્સ જિયો માંથી પોર્ટ કરવાના પ્રયાસોનો પણ જિયોએ વિરોધ કર્યો છે. આ બંને કંપનીઓ ગ્રાહકોને કોઈને કોઈ રીતે ગેરમાર્ગે દોરી રહી છે તેના ફોટો અને વિડિયોઝ પણ જિયોએ ટ્રાઈને સોંપ્યા છે

(12:00 am IST)