Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

મની લોન્ડરિંગ : ચિદમ્બરમને જામીન આપવાનો ફરી ઇન્કાર

દિલ્હી હાઈકોર્ટે કોઇ રાહત આપવા ઇન્કાર કર્યો : આઈએનએક્સ મિડિયા મનિ લોન્ડરિંગ કેસમાં મુશ્કેલી

નવીદિલ્હી, તા. ૧૫ : દિલ્હી હાઈકોર્ટે આઇએનએક્સ મિડિયા મનિ લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને આજે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જસ્ટિસ સુરેશ કેટે જામીન અરજી ઉપર ૮મી નવેમ્બરના દિવસે ચુકાદો અનામત રાખ્યો હતો. ચિદમ્બરમ અને ઇડીના વકીલો તરફથી દલીલો કરવામાં આવ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. ઇડીએ ૧૬મી ઓક્ટોબરના દિવસે મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરી હતી. આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસના સંદર્ભમાં ૨૧મી ઓગસ્ટના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ મોડી રાત્રે ચિદમ્બરમની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમને ૨૨મી ઓક્ટોબરના દિવસે સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળી ગયા હતા પરંતુ ઇડીના કેસમાં તેમની તકલીફ અકબંધ રહી છે. ૧૫મી મે ૨૦૧૭ના દિવસે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલા કેસમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની વિદેશી રકમ મેળવવા માટે આઈએનએક્સ મિડિયા ગ્રુપ એફઆઈપીબી તરફથી જે મંજુરી અપાઈ હતી જેમાં મોટાપાયે ગેરરીતિ થઇ હતી.

                       આઇએનએક્સ મિડિયા મામલામાં  ૨૨મી ઓગષ્ટના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેમની તકલીફ અકબંધ રહી છે. નાટ્યાત્મક રીતે ધરપકડ કરવામાં આવ્યા બાદ રાત્રી ગાળા દરમિયાન પુછપરછનો દોર ચાલ્યો હતો. રાત્રી ગાળા દરમિયાન ગૃહ અને નાણાં પ્રધાન રહી ચુકેલા ચિદમ્બરમને સીબીઆઇના અધિકારીઓ દ્વારા ઇન્દ્રાણી અને પીટર મુખર્જીને લઇને પ્રશ્નો કર્યા હતા. જો કે ચિદમ્બરમે આ ગાળા દરમિયાન પણ પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે આપ્યા ન હતા. કેટલાક પર જવાબી સવાલ પણ કર્યા હતા. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને મોડી રાત્રે સીબીઆઇ હેડક્વાર્ટર પર લઇ જવામાં આવ્યા હતા. ૨૨મી ઓક્ટોબરના દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમને આઇએનએક્સ મિડિયા કેસના મામલામાં સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા હતા. ચિદમ્બરમને કોઇપણ પ્રકારની રાહત મળી રહી નથી. તેમના તરફથી વરિષ્ઠ વકીલો દ્વારા તમામ દલીલો અને પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં કોઇપણ પ્રકારની રાહત મળી રહી નથી. આઈએનએક્સ મિડિયા મનિ લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમને હજુ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

(7:49 pm IST)