Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

યુપીમાં એક જ મંડપમાં મંત્ર અને આયાતો ગુંજી ઉઠયા

ઉત્તર પ્રદેશની યોગી સરકારનું સરાહનીય પગલું: મુખ્યમંત્રી સમુહ લગ્ન યોજનામાં રર હજાર દંપતિના લગ્નો થયા

લખનૌ તા. ૧પઃ મુખ્યમંત્રી સમુહ લગ્ન યોજના અંતર્ગત ગઇકાલે ઉત્તર પ્રદેશના બધા જીલ્લાઓમાં લગભગ ર૧ હજાર દંપતિઓ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પોતે પીલીભીતમાં આયોજીત સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આખા રાજયમાં આ સમારંભના મંડપોમાં મંત્ર અને આયાતો એક સાથે ગુંજી અને એક દેશ એક મંચની તસ્વીર જોવા મળી. એક જ મંડપ નીચે હિંદુ અને મુસ્લિમ કન્યાઓના લગ્ન થયા. આખા રાજયમાં યોજાયેલ સમુહ લગ્ન સમારંભની ખાસ વાત એ હતી કે આ વખતે મુસ્લિમ પક્ષે પણ તેમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો. આ પહેલા આટલી મોટી  સંખ્યામાં કયારેય ભાગ નહોતો લીધો.

રાજયમાં ગરીબ અને પછાત વર્ગને ઉપર લાવવા અને મહિલાઓ તથા છોકરીઓની સ્થિતી સારી બનાવવા માટે સરકારે સમુહ લગ્નની યોજના શરૂ કરી હતી. યોજના હેઠળ આર્થિક રીતે નબળા પરિવારને છોકરીના લગ્ન માટે આર્થિક મદદ અપાય છે. જેના લીધે પરિવાર પોતાની પુત્રીને આર્થિક બોજ ન ગણે અને તેને ભણાવીને યોગ્ય ઉમરે લગ્ન કરે.

સરકારે છોકરા-છોકરીની લગ્નની ઉંમર નકકી કરેલી જ છે. આ યોજનાનો લાભ લેવા માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને તેની સાથે લગ્ન કરનાર છોકરાની ઉંમર ર૧ વર્ષની હોવી જોઇએ.. પોતાની ઉંમરની સાચી માહિતી આપવા માટે અરજદારે પોતાનું બર્થ સર્ટીફીકેટ રજુ કરવું પડે છે. અરજદાર જો ઉત્તર પ્રદેશનો રહેવાસી હોય તો જ તેને આ યોજનાનો લાભ મળે છે.

શહેર અથવા ગામડામાં રહેનાર હોઇપણ પરિવાર, જેની વાર્ષિક આવક બે લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોય તે આ યોજનાનો લાભ લેવા માટે હકકદાર છે. પુનર્લગ્ન કરનાર પણ આ યોજનાનો લાભ લઇ શકે છે. સરકારે પુનર્વિવાહને પ્રોત્સાહન આપવા આ નિર્ણય કર્યો છે. જો પરિવારમાં ર થી વધારે પુત્રીઓ હોય તો કોઇપણ બે ને આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, આવકનો દાખલો, જન્મ પ્રમાણપત્ર (જો ન હોય તો મનરેગા કાર્ડ અથવા વોટર આઇડી) આ દસ્તાવેજો ઓનલાઇન અરજી સાથે અપલોડ કરવાના હોય છે. શહેરના લોકો નગરપાલિકામાં અને ગામડાના લોકો ગ્રામ્ય પંચાયતનો સંપર્ક કરી શકે છે.

(3:46 pm IST)