Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

હુમલામાં સામેલ છે તેમને છોડાશે નહીં : શેખ હસીના

હિંદુ મંદિરો પરના હુમલાની શેખ હસીનાએ નિંદા કરી : બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા સમારંભમાં ભડકેલી સાંપ્રદાયિક હિંસા બાદ ભારતને સચેત રહેવા બાંગ્લાદેશની સલાહ

નવી દિલ્હી, તા.૧૫ : બાંગ્લાદેશના કોમિલ્લા જિલ્લામાં બુધવારે દુર્ગા પૂજા સમારંભ દરમિયાન પંડાલોમાં થયેલી તોડફોડ અને હિંદુ મંદિરો પર થયેલા હુમલાની વડાંપ્રધાન શેખ હસીનાએ આકરી નિંદા કરી હતી. શેખ હસીનાએ ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે, જે કોઈ પણ આ હુમલામાં સામેલ છે તેમને છોડવામાં નહીં આવે, પછી ભલે તે કોઈ પણ ધર્મનું હોય. આ સાથે જ શેખ હસીનાએ ભારતને પણ સતર્ક રહેવા માટે જણાવ્યું હતું. શેખ હસીનાએ કહ્યું હતું કે, ભારતમાં પણ એવું કશું ન બનવું જોઈએ જેની અસર બાંગ્લાદેશ પર પડે અને ત્યાંના હિંદુ સમૂદાયને નુકસાન પહોંચે.

            બાંગ્લાદેશના ચાંદીપુર હાજીગંજ ઉપજિલ્લામાં બુધવારે દુર્ગા પૂજા સમારંભ દરમિયાન ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં ૩ લોકોના મોત થયા હતા અને આશરે ૬૦ લોકો ઘાયલ થયા હતા. જાણવા મળ્યા મુજબ એક ફેસબુક પોસ્ટમાં કુરાનના કથિત અપમાનના કારણે હિંસા ભડકી ઉઠી હતી અને ત્યાર બાદ અનેક દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડ થઈ હતી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઢાકામાં ઢાકેશ્વરી નેશનલ ટેમ્પલમાં યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થયા હતા. શેખ હસીનાએ જણાવ્યું કે, ભારતે આપણી આઝાદીની લડતમાં ઘણી મદદ કરી છે અને તે માટે આપણે હંમેશા કૃતજ્ઞ રહીશું પરંતુ ભારતમાં એવું કશું ન થવું જોઈએ જેની અસર આપણા દેશ પર પડે અને આપણા દેશના હિંદુ સમુદાયના લોકોને નુકસાન પહોંચે. તેમણે પણ આ મામલે થોડી સતર્કતા વર્તવાની જરૂર છે.

(7:19 pm IST)