Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પીએમ મોદીએ ૭ નવી રક્ષા કંપનીઓ રાષ્ટ્રને સમર્પિત કરી

હવે દેશમાં જ નિર્માણ થશે પિસ્તોલથી માંડીને ફાઇટર પ્લેન : આત્મનિર્ભર ભારત આધુનિક લશ્કરી ઉદ્યોગના વિકાસનું લક્ષ્ય : દેશની ૭ કંપનીઓ સંકલ્પ યાત્રાનો ભાગ

નવી દિલ્હી તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સાત નવી સંરક્ષણ કંપનીઓ સમર્પિત કરી. તેમણે કહ્યું કે આ એક શુભ સંકેત છે કે આ કાર્યક્રમ વિજયાદશમીના દિવસે યોજાઈ રહ્યો છે. કાર્યક્રમની શરૂઆત શ સ્ત્ર પૂજનથી કરવામાં આવી હતી. ભારત શકિતને સર્જનનું માધ્યમ માને છે. તેમણે કહ્યું કે આ દિવસ પૂર્વ રાષ્ટ્રપતિ ભારતરત્ન ડો.એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ પણ છે. જે રીતે કલામ સાહેબે એક શકિતશાળી ભારતના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, તે આપણા બધા માટે પ્રેરણાદાયી છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત પોતાની આઝાદીના ૭૫ વર્ષમાં પ્રવેશી ચૂકયું છે. દેશ દાયકાઓથી અટવાયેલા કામો પૂર્ણ કરી રહ્યો છે. સાત નવી કંપનીઓની શરૂઆત દેશની સંકલ્પ યાત્રાનો એક ભાગ છે. આ નિર્ણય છેલ્લા ૧૫-૨૦ વર્ષથી અટવાયેલો હતો. મને ખાતરી છે કે તમામ સાત કંપનીઓ આગામી સમયમાં ભારતની લશ્કરી તાકાતનો આધાર બનશે.

વડાપ્રધાને કહ્યું કે અમારી ઓર્ડનન્સ ફેકટરીઓ વિશ્વની સૌથી શકિતશાળી ફેકટરીઓ તરીકે જાણીતી હતી. તેમને લાંબો અનુભવ છે. વિશ્વ યુદ્ઘ દરમિયાન વિશ્વએ તેની સહનશકિત જોઈ છે. આઝાદી પછી, આ ફેકટરીઓને અપડેટ કરવાની જરૂર હતી, આ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. સમય જતાં, ભારત વ્યૂહાત્મક જરૂરિયાતો માટે વિદેશી દેશો પર નિર્ભર બન્યું. આ કંપનીઓ આ સંજોગોમાંથી પરિવર્તન લાવવામાં ભૂમિકા ભજવશે.

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશનું લક્ષ્ય ભારતને પોતાની જાતે વિશ્વની સૌથી મોટી લશ્કરી શકિત બનાવવાનું છે, ધ્યેય ભારતમાં આધુનિક લશ્કરી ઉદ્યોગ વિકસાવવાનો છે. છેલ્લા સાત વર્ષમાં, દેશ 'મેક ઇન ઇન્ડિયા'ના મંત્ર સાથે આ સંકલ્પને આગળ વધારવા માટે કામ કર્યું છે. આઝાદી પછી પ્રથમ વખત આપણા સંરક્ષણ ક્ષેત્રમાં આવા મોટા સુધારા થઈ રહ્યા છે. આ માટે સિંગલ વિન્ડો વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પીએમે કહ્યું કે થોડા સમય પહેલા સંરક્ષણ મંત્રાલયે આવા ૧૦૦ થી વધુ વ્યૂહાત્મક સાધનોની યાદી બહાર પાડી હતી જે હવે બહારથી આયાત કરવામાં આવશે નહીં. ભારતીય સેનાને મજબૂત કરવા માટે દેશની સાત સંરક્ષણ કંપનીઓ સૈનિકો માટે ફાઈટર પ્લેનથી પિસ્તોલ બનાવશે. આ કંપનીઓને ત્રણેય સેવાઓ અને અર્ધલશ્કરી દળો પાસેથી ૬૫,૦૦૦ કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. આ આપણા સંરક્ષણ ઉદ્યોગમાં દેશનો વિશ્વાસ દર્શાવે છે.

તેમાં એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇકિવપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, ટ્રૂપ કમ્ફર્ટ્સ લિમિટેડ, ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ, મ્યુનિશન ઇન્ડિયા લિમિટેડ, અવની આર્મર્ડ વ્હીકલ્સ, ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડ, યંત્ર ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. આ કંપનીઓ દારૂગોળો અને વિસ્ફોટકો, વાહનો, હથિયારો અને સાધનો, લશ્કરી સુવિધાની વસ્તુઓ, ઓપ્ટો-ઇલેકટ્રોનિકસ ગિયર, પેરાશૂટ અને આનુષંગિક ઉત્પાદનોનું ઉત્પાદન કરશે. આ કંપનીઓના હથિયારોનું ઉત્પાદન ભારતીય સેનાને મજબૂત બનાવશે.

(3:37 pm IST)