Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

આવકવેરાના નવા પોર્ટલ પર બે કરોડથી વધુ રિટર્ન્‍સ ફાઇલ કરાયા

વ્‍યકિતગત કરદાતા માટેની મહેતલ લંબાવીને ૩૧ ડિસેમ્‍બર કરાઇ છે

ᅠનવી દિલ્‍હી,તા. ૧૫: આવકવેરા વિભાગે ગુરુવારે જણાવ્‍યું હતું કે અમારા નવા પોર્ટલ પર અત્‍યાર સુધીમાં ૨૦૨૦-૨૦૨૧ના બે કરોડથી વધુ રિટર્ન્‍સ ફાઇલ કરાયા છે.
તેણે નવા આઇટી પોર્ટલમાંની પ્રારંભિક સમસ્‍યા ઉકેલાઇ હોવાનો દાવો કર્યો હતો.
સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્‍ટ ટેક્‍સીસ (સીબીડીટી)એ કરદાતાઓને નાણાકીય વર્ષ ૨૦૨૦ - ૨૦૨૧ (૨૦૨૦ના એપ્રિલથી ૨૦૨૧ના માર્ચ સુધી)નું ઇન્‍કમ ટેક્‍સ રિટર્ન્‍સ જલદી ફાઇલ કરવા અનુરોધ કર્યો હતો.
ઇન્‍કમ ટેક્‍સ રિટર્ન્‍સમાં અને રિફંડ માટે આધાર ઓટીપી દ્વારા ઇ-વેરિફિકેશનની પ્રોસેસ જરૂરી છે.
તેણે જણાવ્‍યું હતું કે વેરિફાઇડ આઇટીઆર ૧ અને ૪માંના અંદાજે ૧.૦૬ કરોડ આઇટીઆર પ્રોસેસ્‍ડ કરાયા છે, જયારે આકારણી વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨ના ૩૬.૨૨ લાખ જેટલા રિફંડ આપી દેવાયા છે. આઇટીઆર - ટૂ (૨) અને ૩નું પ્રોસેસિંગ ટૂંક સમયમાં હાથ ધરાશે.
ઇન્‍કમ ટેક્‍સનું નવું પોર્ટલ સાત જૂને શરૂ કરાયું હતું. પ્રારંભમાં અનેક કરદાતાને આ પોર્ટલમાં મુશ્‍કેલી નડતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આવકવેરાનું ૨૦૨૦ - ૨૦૨૧ના નાણાકીય વર્ષના રિટર્ન્‍સ ફાઇલ કરવાની મહેતલ બે વખત લંબાવાઇ હતી. વ્‍યક્‍તિગત કરદાતા માટેની મહેતલ લંબાવીને ૩૧ ડિસેમ્‍બર કરાઇ છે.

 

(10:17 am IST)