Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

પાકિસ્‍તાન ખરીદેલા આતંકીઓથી લાંબી લડત નહિ લડી શકે : તમામનો ખાત્‍મો કરાશે : રાજયપાલ મલિક લડાયક મુડમાં

જમ્‍મુ : જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ખરીદેલા આતંકવાદીઓનો ટુંક સમયમાં ખાત્મો થવાનો છે. પાકિસ્તાનના ખરીદેલા આતંકવાદીઓ સફજનના વેપારીઓને ધમકી આપી રહ્યા છે. આતંકવાદીઓ આ પ્રકારની ધમકી આપવાની બંધ નહી કરે તો તેનો ખાત્મો નક્કી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સેના ઓપરેશન ચલાવી રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી સરકારે આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીર ઘાટીના વિકાસ માટે નીતિ ઘડવામાં આવી રહી છે.અને યુવાઓને રોજગારી માટે સરકાર દ્વારા વિવિધ યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતાવણી આપી છે. તેમણે જણાવ્યુ હતુ કે, પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે તો તેના ટુકડે-ટુકડા થઈ જવાના છે. પાકિસ્તાને પોતાના દેશમાં આતંકવાદ પર લગામ લગાવવી જોઈએ. તેમણે લઘુમતી અંગે કહ્યુ કે, ભારતમાં લઘુમતી સુરક્ષીl છે. અને સુરક્ષીત રહેશે. ભારત જાતિ કે ધર્મના આધારે કોઈને વિભાજિત નથી કરતું.

ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનના પેટમાં દુખાવો શરૂ થયો છે. પાકિસ્તાન યુએનમાં ગયુ અને દુનિયાનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યુ છે.

રાજનાથસિંહે વધુમાં કહ્યુ કે, પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરશે તો સેના પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયાર છે. ભારતમાં ઘૂસણખોરી કરનાર કોઈપણ જીવતો પાછો નહીં જાય. આ પહેલા રાજનાથસિંહે પીઓકે અંગે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, હવે જમ્મુ કાશ્મીર નહીં પણ પીઓકે અંગે વાતચીત કરવામાં આવશે.

(12:58 pm IST)