Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

કરૂણાનિધિના આશીર્વાદથી કારોબારી અધ્યક્ષ બન્યા છે

કરૂણાનિધિના પરિવારમાં ખેંચતાણનો દોર : ડીએમકેના મોટાભાગના નેતાઓએ સ્ટાલિનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો : સત્તા સંઘર્ષમાં સ્ટાલિનને હાલ પુરતી રાહત

ચેન્નાઈ,તા. ૧૪ : તમિળનાડુમાં કરૂણાનિધિના અવસાન બાદ મોટાભાઈ એમકે અલાગીરી સાથે ચાલી રહેલી ઉત્તરાધિકારીની લડાઈ વચ્ચે પાર્ટીના કારોબારી અધ્યક્ષ એમકે સ્ટાલિનને આજે મોટી સફળતા મળી હતી. પાર્ટીની ચેન્નાઈમાં થયેલી બેઠકમાં મોટાભાગના નેતાઓએ તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્ટાલિને કહ્યું હતું કે, પાર્ટીએ પોતાના નેતાને ગુમાવી દીધા છે પરંતુ તેઓએ પોતાના નેતાની સાથે સાથે પોતાના પિતાને પણ ગુમાવી દીધા છે. સ્ટાલિને પોતાના વિરોધીઓને સંદેશ આપતા કહ્યું હતું કે, તેઓ પોતાના પિતાના આશીર્વાદથી પાર્ટીના કારોબારી પ્રમુખ બન્યા છે. ઉત્તરાધિકારી માટે સંઘર્ષની વાત સપાટી ઉપર આવ્યા બાદ પ્રથમ વખત સ્ટાલિને ડીએમકેના કાર્યકરો અને નેતાઓ વચ્ચે પોતાની વાત રજૂ કરી હતી. સ્ટાલિને કહ્યું હતું કે, કરૂણાનિધિની દફનવિધિ માટે મરીના બીચ ઉપર જગ્યા આપવાની બાબત તેમના માટે આશાસ્પદ રહી છે. ડીએમકેના વકીલોને આના માટેની ક્રેડિટ મળે છે. ગઇકાલે અલાગીરીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદથી ખેંચતાણની શરૂઆત થઇ ચુકી છે. ડીએમકેના વડા એમ કરૂણાનિધીના અવસાન બાદથી જ પરિવારમાં ભાઇ ભાઇની વચ્ચે સત્તા સંઘર્ષની શરૂઆત થઇ ગઇછે. સોમવારના દિવસે કરૂણાનિધીના સમાધિ સ્થળ પર પહોંચ્યા બાદ તેમના પુત્ર એમકે અલાગીરીએ દાવો કર્યો હતો કે પૂર્ણ અસલી ડીએમકે કાડર તેમની સાથે છે. થોડાક વર્ષ પહેલા જ અલાગીરીને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદથી તેઓ પાર્ટી પોલિટિક્સથી દુર હતા. એક વર્ષ પહેલા જ તેમના નાના ભાઇ અને કરૃઁણાનિધીના બીજા પુત્ર સ્ટાલિનને પાર્ટીના કારોબારી અધ્યક્ષ તરીકે બનાવી દેવામાં આવ્યા હતા.

(7:28 pm IST)