Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ડોર ટુ ડોર કેમ્પેઇન કરવાની કેજરીવાલે આપેલી ચેતવણી

અધિકારીઓની હડતાળનો અંત લાવવા માંગ : એલજી ઓફિસમાં ધરણા પ્રદર્શન કરી રહેલા કેજરીવાલે દિલ્હીવાસીઓને મેસેજ મોકલ્યો : રવિવારથી અભિયાન

નવીદિલ્હી, તા.૧૫ : છેલ્લા ચાર પાંચ દિવસથી એલજી ઓફિસમાં ધરણા પ્રદર્શન કરી રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજનિવાસથી દિલ્હીના લોકોને એક વિડિયો મેસેજ કર્યો છે. એકબાજુ તેઓએ આ મેસેજ મારફતે પોતાની સમસ્યાઓ ઉપર પ્રજાને અવાજ ઉઠાવવા માટેની અપીલ કરી છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજી વખત પત્ર લખીને આઈએએસ અધિકારીઓને હડતાળ ખતમ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. કેજરીવાલે કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર દિલ્હીની માંગને લઇને મૌન રહેશે તો તેઓ રવિવારથી ડોર ટુ ડોર ઝુંબેશ ચલાવશે. એલજીની ઓફિસથી એક વિડિયો જારી કરીને કેજરીવાલે પાર્ટી કાર્યકરોને અપીલ કરી છે કે, તેઓ એવી ઝુંબેશ શરૂ કરે જેવી ઝુંબેશ વિજળી બિલને લઇને શરૂ કરવામાં આવી હતી. કાર્યકરોને અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે, જો રવિવાર સુધી તેમની માંગણી ઉપર કોઇ જવાબ મળશે નહીં તો ઘેર ઘેર જઇને રજૂઆત કરવામાં આવશે. ૧૦ લાખ પરિવારોના હસ્તાક્ષર લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ હસ્તાક્ષરોને ત્યારબાદ વડાપ્રધાનને મોકલવામાં આવશે. તેમની માંગણી ઉપર કોઇપણ પ્રકારના જવાબ મળી રહ્યા નથી. હવે દિલ્હીના લોકો પ્રશ્નો પુછશે. કેજરીવાલે બીજી વખત વડાપ્રધાનને પત્ર લખીને આઈએએસ અધિકારીઓની હડતાળને ખતમ કરવા માટે તેમની દરમિયાનગીરીની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, તેમના ધરણા પ્રદર્શન પોતાના ફાયદા માટે નહીં બલ્કે દિલ્હીની જનતાની ભલાઈ માટે છે. વિડિયો મેસેજ મારફતે તેઓએ ભાજપ પર પ્રહારો પણ કર્યા છે. તેમનું કહેવું છે કે, અધિકારીઓની હડતાળનો હેતુ આમ આદમી પાર્ટી સરકારની કામગીરીમાં ખલેલ પહોંચાડવાનો રહ્યો છે. એલજી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

(7:21 pm IST)