Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

અમરનાથ યાત્રા ઉપર હુમલાનું પાકિસ્‍તાનમાં ઘડાતુ ષડયંત્ર

૨૮ જુનથી પવિત્ર યાત્રા શરૂ થઇ રહી છે : ત્રાસવાદીઓના નિશાના ઉપર શ્રધ્‍ધાળુઓ અને સુરક્ષાદળો

નવી દિલ્‍હી તા. ૧૫ : કેન્‍દ્ર સરકાર રમઝાન બાદ જમ્‍મુ-કાશ્‍મીરમાં ત્રાસવાદીઓ વિરૂધ્‍ધ ઓપરેશનને સ્‍થગિત કરવા અંગે હાલ વેઇટ એન્‍ડ વોચ' પર કામ કરી રહી છે. આ બધાની વચ્‍ચે એક સૈનિક અને પત્રકારની હત્‍યાએ ત્રાસવાદીઓનો વધતા મનસુબા તરફ વધુ ધ્‍યાન ખેંચ્‍યુ છે. સુરક્ષા એજન્‍સીઓને ઇનપુટ્‍સ મળ્‍યા છે કે પાકિસ્‍તાનમાં આવેલ આતંકી સંગઠન અમરનાથ યાત્રા પર મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. ૨૮ જુનથી પ્રારંભ થઇ રહેલી અમરનાથ યાત્રા ૨૧ દિવસો સુધી ચાલશે.

રમઝાન દરમિયાન ત્રાસવાદીઓ વિરૂધ્‍ધ ઓપરેશનને સ્‍થગિત કરવા અંગે કેન્‍દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્‍યક્ષતામાં એક ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજાઇ. આ દરમિયાન અમરનાથ યાત્રા દરમિયાન લોખંડી સુરક્ષા બંદોબસ્‍તની ચર્ચા પણ કરવામાં આવી છે. અમરનાથ યાત્રા પર હુમલાનો ખતરો મંડરાય રહ્યો છે. એવામાં મહેબુબા સરકારે કેન્‍દ્ર પાસેથી ૨૨ હજાર અતિરિક્‍ત જવાન માંગ્‍યા છે.

મંત્રાલયના સૂત્રોના જણાવ્‍યા મુજબ ૪૫ મીનીટ સુધી ચાલેલી બેઠક દરમિયાન રમઝાન બાદ ઓપરેશનને સ્‍થગિત કરવા અથવા વધુ આગળ વધવા પર અંતિમ નિર્ણય થયો નહિ. જાણવા મળી રહ્યું છે કે, રમઝાન બાદ કાશ્‍મીરી મુસલમાનો માટે શાંતિની પહેલની ફરી સમીક્ષા કરવામાં આવશે.

ઓપરેશનને ફરી શરૂ કરવા અંગે સરકાર પર આરએસએસ અને બીજેપીનું પણ દબાણ છે. જે આ પહેલના પક્ષમાં છે. સેના શરૂઆતમાં તૈયાર નહોતી પરંતુ બાદમાં પાકિસ્‍તાન સાથે સંકળાયેલી સરહદ પર રાજ્‍યોમાં ત્રાસવાદી ગતિવિધિઓ પર ફીડબેક જાણવા માટે તૈયાર થઇ છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્‍યા મુજબ ખુફિયા એજન્‍સીઓએ જાણકારી આપી છે કે, સુરક્ષાબળો પર અચાનક હુમલા માટે ત્રાસવાદી ષડયંત્ર રચી રહ્યા છે. મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, અમરનાથ યાત્રા દરમિયાન દહેશત ફેલાવા માટે આતંકી શ્રધ્‍ધાળુઓ અથવા સુરક્ષા કર્મીઓ પર હુમલા માટે આઇઇડીનો ઉપયોગ કરી શકે છે.

બેઠકમાં રમઝાન દરમિયાન થયેલા ત્રાસવાદી હુમલા પર પ્રેઝન્‍ટેશન પણ અપાયું. જો કે સરકારની અંદર એક પક્ષ ઓપરેશનને આગળ પણ સ્‍થગિત રાખવાના પક્ષમાં છે પરંતુ અમરનાથ યાત્રામાં હુમલાની આશંકાથી સરકારે મોટું રાજનૈતિક નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. એવામાં ટોપ સિક્‍યોરીટી મેનેજર્સ તાત્‍કાલિક કોઇ નિર્ણય લેશે નહિ.

(2:48 pm IST)