Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મંદી ઉપર બ્રેક :સેંસેક્સમાં ૬૫ પોઇન્ટનો સુધાર થયો

નિફ્ટીમાં શરૂઆતમાં નજીવો ઉછાળો આવ્યો :દિવસ દરમિયાન ઉતારચઢાવની સ્થિતી રહે તેવા સંકેતો

મુંબઇ,તા. ૧૫ :શેરબજારમાં આજે મંદી પર બ્રેક મુકાઇ હતી. શરૂઆતી કારોબારમાં તેજી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૬૫ પોઇન્ટ સુધરીને ૩૫૬૬૪ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૮ પોઇન્ટ ઉછળીને ૧૦૮૨૬ની સપાટી પર રહ્યો હતો. દિવસ દરમિયાન તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે.  મૂડીરોકાણકારો ફેડ પોલિસીના નિર્ણયને લઇને પણ આશ્ચર્યચકિત છે. ફેડ દ્વારા રેટમાં ૨૦૧૫ બાદથી સાતમી વખત વધારો કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો  હતો. ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો.

 રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો.ગઇકાલે ગુરૂવારના દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૩૯ પોઇન્ટ ઘટીને ૩૫૬૦૦ની નીચી સપાટએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૯ પોઇન્ટ ઘટીને ૧૦૮૦૮ની સપાટીએ રહ્યો હતો.

(12:36 pm IST)